તા.૨/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા હોટેલ, મુસાફરખાના વગેરેમાં રોકાણ અંગે વિવિધ નિયંત્રણો મુકતુ જાહેરનામુ પ્રસિદ્ધ
Rajkot: રાજકોટ શહેરમાં હોટલ, ધર્મશાળા તથા અન્ય સ્થળોએ રૂમ ભાડે આપવા પર વિવિધ નિયંત્રણો મુકતું જાહેરનામું શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા દ્વારા જારી કરવામાં આવ્યુ છે.
આ જાહેરનામા અનુસાર, શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવતી તમામ હોટલ, ધર્મશાળા, લોજ, બોર્ડીંગ, મુસાફરખાના, ગેસ્ટ હાઉસ, ઢાબા તથા આ પ્રકારનાં અન્ય સ્થળોના માલિકોએ ગ્રાહકને મિલકત કે રૂમ ભાડેથી આપ્યાના ૨૪ કલાકમાં જ તેમની તમામ વિગતો https://pathik.guru પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.
રોકાણ માટે મુસાફરો આવે ત્યારે તમામ મુસાફરોની મેન્યુઅલ ગેસ્ટ રજિસ્ટર (Manual Guest Arrival-Departure Register) ઉપરાંત ઉપરોક્ત ઓનલાઈન વેબ પોર્ટલમાં જણાવેલી તમામ માહિતીની સચોટ ડેટા એન્ટ્રી કરવાની રહેશે. આ ઉપરાંત, રોકાયેલા મુસાફરોએ રજૂ કરેલા ઓળખના અસલ પુરાવા જેવા કે આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ ચકાસી તેને અપલોડ કરવા સાથે સંબંધિત વ્યક્તિની સહી સાથેની ઝેરોક્ષ નકલ રાખવી પણ અનિવાર્ય છે.
વિદેશી નાગરિકોના રોકાણ અંગેની માહિતી ‘પથિક’ સોફ્ટવેર ઉપરાંત FRRO module (IVFRT) સોફ્ટવેર અને Form-III (Form-C) ફોર્મ બંનેમાં કરવાની રહેશે. આ પ્રક્રિયા કરવા માટે સ્થળ સંચાલકોએ પોલીસની એસ.ઓ.જી. શાખામાં નોંધણી કરાવી યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લેવાનાં રહેશે તેમજ રિસેપ્શન કાઉન્ટર પર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું કોમ્પ્યુટર રાખી પથિક સોફ્ટવેર (PROGRAMME FOR ANALYSIS OF TRAVELLER & HOTEL INFORMATICS) ઈન્સ્ટોલ કરવાનું રહેશે.
આ ઉપરાંત, મુસાફરો દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર/ઇ-મેઇલ આઇ.ડી.ની નોંધણી અને પોર્ટલ પર અપલોડ કરવા સાથે જે-તે નંબર પર કોલ કરીને રજૂ કરાયેલ મોબાઈલ નંબર સાચો છે કે કેમ તેની ખરાઈ પણ કરવાની રહેશે. તેમજ મુસાફરો જે વાહનમાં આવેલ હોય તે વાહનના પ્રકાર, કંપનીનું નામ અને રજિસ્ટર નંબરની નોંધ પણ મેન્યુઅલ રજિસ્ટર અને પોર્ટલમાં કરવાની રહેશે.
વધુમાં, વિદેશી/ભારતીય મુસાફરોને મળવા આવતા મુલાકાતીઓની પણ અલાયદી નોંધ રજીસ્ટરમાં રાખી તેના અસલ ફોટો આઈડી ચેક કરી, નકલ મેળવી મુલાકાતનાં સમય સહિતની વિગતો ફાઇલ કરવાની રહેશે. આ ઉપરાંત અજાણ્યા ભારતીય કે વિદેશી વિઝીટર્સનું બુકિંગ કરાવનાર વ્યક્તિ, કંપની, સંસ્થા કે પેઢી વગેરેના પણ પૂરા નામ, સરનામા, ટેલીફોન નંબર સહિતના સત્તાવાર પુરાવા મેળવી લેવાના રહેશે તેમજ લોકલ રેફરન્સ વિનાના મુસાફરો કયા કામ માટે રોકાવાના છે તેની વિગત પણ મેળવવાની રહેશે.
હોટેલમાં આવનારા મુસાફરની કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા તો પોલીસ કંટ્રોલ રૂમ રાજકોટ શહેરને જાણ કરવાની રહેશે.
હોટલ, ધાબા, લોજ, બોર્ડીંગ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, મુસાફરખાનામાં કામ કરતા તમામ માલિકો, ભાગીદારો, મેનેજરો, રિસેપ્શનિસ્ટ અને અન્ય કર્મચારીઓના હાલના તથા વતનના નામ, સરનામા અને મોબાઈલ નંબરોની અદ્યતન માહિતીની યાદી રિસેપ્શન પર રાખી તમામ કર્મચારીઓના પોલીસ વેરીફીકેશન દર છ માસે કરાવવાના રહેશે. પથિક સોફ્ટવેરને લગતી સમસ્યા કે માહિતી અંગે એસ.ઓ.જી. રાજકોટ શહેરનો સંપર્ક કરવાનો રહેશે.
વધુમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા સાથે તેના ત્રણ માસ સુધીનાં રેકોર્ડીંગનું બેકઅપ ફરજિયાત રાખવાનું રહેશે. આ ઉપરાંત, આકસ્મિક આગ સામે અગ્નિશામક યંત્ર, ફાયર એન.ઓ.સી., ગુમાસ્તાધારા, ફૂડ લાયસન્સ, પોલીસ ઓફિસર વિઝીટ બૂક, ઈમરજન્સી કોલ બૂક, ભાડા કરાર અને ભાગીદારી કરાર વગેરે પ્રમાણપત્રો અને દસ્તાવેજો રિસેપ્શન કાઉન્ટર પર રાખવાના રહેશે.
આ જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧/૧૨/૨૦૨૬ના સુધી અમલમાં રહેશે, અને તેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર રહેશે











