વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૩ નવેમ્બર : ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણના સંકલ્પ સાથે વ્હાઇટ ઇગલ સાયકલ ગ્રુપના સાયકલિસ્ટોએ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો ભુજ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ભુજ એકમ દ્વારા લાંચ-રૂશ્વત વિરોધી જાગૃતિના ઉમદા હેતુથી આજરોજ તા. ૩ નવેમ્બર, ૨૦૨૬ના રોજ જાગૃતિ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગરિકોમાં ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃતિ કેળવવા, લાંચ-રૂશ્વતના દુષણને દૂર કરવા અને ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણમાં જનભાગીદારી વધારવાના ઉદ્દેશ્ય સાથે આ રેલી યોજાઈ હતી.રેલીનો પ્રારંભ પ્રિન્સ રેસિડેન્સી ચાર રસ્તા ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યાંથી કોડકી ચાર રસ્તા, પાટવાડી નાકા થઈ ACB પોલીસ સ્ટેશન, ભુજ ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર રેલી દરમિયાન લાંચ-રૂશ્વત વિરોધી જાગૃતિ અને પ્રામાણિકતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું સુંદર આયોજન ACB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.ચૌધરી સાહેબ,ભરતભાઈ મોઢવાડીયા સાહેબ તથા ACB ભુજ એકમના કર્મચારીગણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ રેલીમાં વ્હાઇટ ઇગલ સાયકલ ગ્રુપ, ભુજના સાયકલિસ્ટોએ ઉત્સાહપૂર્વક જોડાઈને ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને જનસમર્થન પૂરું પાડ્યું હતું.રેલીના સમાપન પ્રસંગે ઉત્કૃષ્ટ સહભાગિતા અને વિશેષ પ્રોત્સાહન બદલ મિલન ધામેચા,આયુષ કોટક,ડી.ટી.મજીઠીયા, મહિલા સાયકલિસ્ટ પૂર્ણિમા શુક્લા તથા બાળ સાયકલિસ્ટ શિવાય ધામેચાને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ACB વિભાગની કાર્યરીતિ, લાંચ-રૂશ્વત સંબંધિત ફરિયાદ કરવાની પ્રક્રિયા તથા ભ્રષ્ટાચાર સામેની કાયદેસરની કાર્યવાહી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાગરિકોને કોઈપણ સરકારી કામગીરી દરમિયાન લાંચ-રૂશ્વતની માંગણી થાય તો ACBનો સંપર્ક કરવા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા અપીલ કરવામાં આવી હતી.આ જાગૃતિ રેલી માત્ર સાયકલ યાત્રા ન બની રહેતાં પ્રામાણિકતા, પારદર્શિતા અને ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ માટેનો એક પ્રેરણાદાયી સંદેશ બની રહી હતી. ACB ભુજ એકમ તથા વ્હાઇટ ઇગલ સાયકલ ગ્રુપના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ આ કાર્યક્રમ જનજાગૃતિના ક્ષેત્રે નોંધપાત્ર બની રહ્યો હતો.











