તારીખ ૦૩/૧૧/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. વેજલપુર સ્થિત સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી. એજ્યુકેશન કોમ્પ્યુટર ના શિક્ષક સોહેલ એસ. જમાલ ને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હી સ્થિત ધ ટિવોલી હોટલ ખાતે ભારત લીડરશિપ સમિટ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં બોલિવૂડ અભિનેતા અને લોકડાઉન દરમિયાન જાનની પરવા કર્યા વિના હજારો જરૂરિયાતમંદોની મદદ કરીને દેશભરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર રિયલ હીરો સોનુ સૂદ ના વરદ હસ્તે સોહેલ જમાલ ને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યાં સોહેલ જમાલ ને વેજલપુર ખાતે સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જે.સી. એજ્યુકેશનમાં છેલ્લા ઘણા સમયથી કોમ્પ્યુટર શિક્ષણ ક્ષેત્રે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી, કોમ્પ્યુટર ક્ષેત્રે શ્રેષ્ઠ લોગો ડિઝાઇન તૈયાર કરવાની સર્જનાત્મક આવડત તેમજ વિદ્યાર્થીઓને શિક્ષણ અને કૌશલ્યના માધ્યમથી જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટેની સતત મહેનતને બિરદાવતા તેમને આ રાષ્ટ્રીય સ્તરનું સન્માન પ્રાપ્ત થયું છે. અને તેઓ વિદ્યાર્થીઓને માત્ર કોમ્પ્યુટર શિક્ષણ જ નહીં, પરંતુ તેમના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. જ્યાં આ સન્માન મળતા વેજલપુર ગામજનો તેમજ સમગ્ર પંચમહાલ જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ છે. સોહેલ સરે આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, પત્ની, ભાઈ-બહેનો અને સહયોગીઓના આશીર્વાદ, પ્રેમ અને સહકારને આપ્યો હતો.આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ શિક્ષણ અને મહેનત દ્વારા ગામનું નામ રોશન કરવાની પ્રેરણાદાયી સફર છે. વેજલપુરના પત્રકાર યોગેશ કાછિયાએ સોહેલભાઈને અભિનંદન પાઠવ્યા હતા.










