ઈડર તાલુકાના લાલોડા ગામમાં ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અગાઉની રજૂઆતમાં ગામના કેટલાક લોકોની જાણ કે સંમતિ વિના તેમના નામે ખોટી સહીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી લાલોડા-સદાતપુરા ગામના આશરે 100 જેટલા લોકો ઈડર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, મોજે લાલોડા ગામની સરકારી ગૌચર જમીન સહિત વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર માટી ખનન થતું હોવા અંગે અગાઉ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ આવેદનપત્રમાં અંદાજે 10 જેટલી સહીઓ એવી વ્યક્તિઓના નામે કરવામાં આવી હોવાનો આક્ષેપ છે, જેમણે આવેદનપત્રમાં સહી કરી નથી કે રજૂઆત કરવા માટે કોઈ સંમતિ પણ આપી નથી.જે વ્યક્તિઓના નામે સહીઓ દર્શાવવામાં આવી છે તેમાંથી કેટલાક લોકોને અગાઉના આવેદનપત્ર અંગે જાણકારી પણ ન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. વ્યક્તિઓની જાણ કે સંમતિ વિના તેમના નામે સહીઓ કરી સરકારી કચેરીમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હોવાની બાબતને ગંભીર ગણાવી ગામના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉના આવેદનપત્રમાં દર્શાવવામાં આવેલી તમામ સહીઓની ખરાઈ કરવા, સંબંધિત વ્યક્તિઓનાં રૂબરૂ નિવેદનો લેવા તેમજ આધાર-પુરાવાના આધારે નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરવામાં આવી છે. સહી ન કરી હોવાની રજૂઆત કરનાર વ્યક્તિઓના આધારકાર્ડની નકલો પણ તેમની સંમતિથી પુરાવા તરીકે જોડવામાં આવી હોવાનું જણાવાયું છે.વધુમાં, તપાસ દરમિયાન ખોટી સહીઓ કરી સરકારી કચેરીને ગેરમાર્ગે દોરવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મામલતદાર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે. આશરે 100 જેટલા લોકોની ઉપસ્થિતિમાં થયેલી આ રજૂઆતથી લાલોડા ગામમાં માટી ખનનના મુદ્દે અગાઉ આપવામાં આવેલા આવેદનપત્રની સહીઓનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા










