
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ગુજરાત પોલીસ દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહ અંતર્ગત શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણ તેમજ ફરજ દરમિયાન પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવવાના શપથ લીધા હતા.
આ વર્ષે તકેદારી જાગૃતિ સપ્તાહની થીમ ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ રાખવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન એસપી અક્ષયરાજ મકવાણાએ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવી હતી કે તેઓ પોતાની ફરજ દરમિયાન સંપૂર્ણ પ્રામાણિકતા, પારદર્શિતા અને જવાબદારી સાથે કામગીરી કરશે તેમજ ભ્રષ્ટાચારથી દૂર રહી સમાજમાં નૈતિક મૂલ્યો અને ઈમાનદારીને પ્રોત્સાહન આપશે.
તકેદારી જાગૃતિ સપ્તાહનો મુખ્ય હેતુ સરકારી કામગીરીમાં પારદર્શિતા વધારવા, ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ લાવવા અને દરેક સ્તરે પ્રામાણિકતાની ભાવના મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમના માધ્યમથી પોલીસ વિભાગે પણ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને જવાબદાર પોલીસિંગ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.









