અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ભિલોડા: પત્નીને ફોન કરવા અને આડા સંબંધની શંકા રાખી યુવકને માર માર્યાની ફરિયાદ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કરણપુર ગામે પત્નીને વારંવાર ફોન કરવા અને તેની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને એક યુવક પર પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, કરણપુર ગામના દીપકભાઈ ખેમાભાઈ બામણીયા (ઉં.વ. 28) તા. 1 નવેમ્બર, 2026ના રોજ સાંજે આશરે 6:15 વાગ્યે પોતાની બુલેટ મોટરસાઇકલ પર ખેતરમાંથી ગાયનું દૂધ લઈને ગામની ડેરીમાં ભરાવવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામના ગૌરાંગભાઈ અરવિંદભાઈ પાંડોર હાથમાં પાઇપ લઈને આવ્યા હતા અને દીપકભાઈની મોટરસાઇકલ રોકાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ પોતાની પત્નીને વારંવાર ફોન કરવા અને તેની સાથે આડા સંબંધ હોવાની શંકા વ્યક્ત કરી ગાળાગાળી કરી હતી. ત્યારબાદ હાથમાં રહેલી પાઇપ વડે હુમલો કરતાં દીપકભાઈને માથા, પીઠ અને ડાબા પગના ભાગે ઇજાઓ થઈ હતી.
ઘટના દરમિયાન બૂમાબૂમ થતાં દીપકભાઈના દાદા રમેશભાઈ નાથાભાઈ બામણીયા અને તેમના કુટુંબીભાઈ ગોવિંદભાઈ રમેશભાઈ બામણીયા સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમને વધુ મારથી બચાવ્યા હતા. ફરિયાદ મુજબ, હુમલાખોરે જતાં જતાં ફરી એકલા મળી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.માથામાંથી લોહી નીકળતાં ઇજાગ્રસ્ત દીપકભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ તેઓ ભિલોડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગૌરાંગભાઈ અરવિંદભાઈ પાંડોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.









