વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઘોડમાળ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ.૧૯૦.૬૨ કરોડના ખર્ચે હાથ ધરાનારા ૪૯ વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ તથા પંચાયત) તેમજ રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના વિવિધ લોકોપયોગી કામોનો રિમોટના માધ્યમથી પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વિકાસની સાચી કસોટી છેવાડાના માનવી સુધી સરકારી સુવિધાઓ પહોંચે તે છે. વાંસદા વિસ્તારમાં રસ્તા, કોઝવે, બ્રિજ અને અન્ય પાયાની સુવિધાઓ માટે હાથ ધરાનારા આ વિકાસકાર્યોનો સીધો લાભ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકોને મળશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વાંસદા વિધાનસભા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં રૂ.૧,૧૦૦ કરોડથી વધુનાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આજના રૂ.૧૯૦.૬૨ કરોડના કામો સહિત રાજ્ય સરકારના રૂ.૧,૨૯૦ કરોડ અને કેન્દ્ર સરકારના રૂ.૬૦૦ કરોડ મળી કુલ રૂ.૧,૮૯૦ કરોડનાં વિકાસકાર્યો વિસ્તારના વિકાસને નવી દિશા આપશે.
આદિવાસી યુવાનોના શિક્ષણને પ્રોત્સાહન આપવા ચીખલી, ખેરગામ અને વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડા તાલુકાકક્ષાની લાયબ્રેરીઓનું નિર્માણ કરવામાં આવશે. ચીખલી ખાતે રૂ.૬.૧૩ કરોડ, ખેરગામ ખાતે રૂ.૫.૫૫ કરોડ અને વાંસદા ખાતે રૂ.૪.૮૪ કરોડના ખર્ચે આ લાયબ્રેરીઓ બનાવવામાં આવશે. આ લાયબ્રેરીઓ આદિવાસી દીકરા-દીકરીઓને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું.
વિકાસકાર્યોની વિગતો મુજબ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રૂ.૧૧.૩૦ કરોડના ખર્ચે વાંસદા-વાંસીયાતળાવ-બોરિયાચ-ખાટા-આંબા-કણધા માર્ગના રિસરફેસિંગનું કામ હાથ ધરાશે. જ્યારે વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકામાં રૂ.૫૫.૨૩ કરોડના ખર્ચે પાંચ રસ્તાઓનાં કામો કરવામાં આવશે.
તેવી જ રીતે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંસદા તાલુકામાં રૂ.૫૯.૬૫ કરોડના ખર્ચે સાત રસ્તાઓનાં કામો તથા રૂ.૪૭.૯૨ કરોડના ખર્ચે નોન-પ્લાન રસ્તાઓ, કોઝવે અને બ્રિજ સહિતનાં ૩૩ વિકાસકાર્યો હાથ ધરાશે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ દિવાળીના પર્વ નિમિત્તે સ્થાનિક કારીગરો, બહેનો અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલાની વસ્તુઓ ખરીદીને તેમને પ્રોત્સાહન આપવા નાગરિકોને અપીલ કરી હતી. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળીની ખુશીઓ વહેંચવાનો પણ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ મહાનુભાવોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. અંતે જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, અગ્રણી ભૂરાભાઈ શાહ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









