ગાંધીનગરમાં વનરક્ષકોનું સાતમા દિવસે પણ આંદોલન યથાવત્: લેખિત બાંહેધરી વિના સમાધાનનો ઈનકાર, જરૂર પડશે તો ઉપવાસ આંદોલનની ચીમકી

ગ્રેડ પે સુધારા, જોખમ ભથ્થું, રજા પગાર સહિતની પાંચ પડતર માંગણીઓ મુદ્દે હજારો વનકર્મીઓ મેદાનમાં; મહિલા કર્મચારીઓ પણ બાળકો સાથે આંદોલનમાં જોડાઈ

ગાંધીનગર : ગુજરાત રાજ્યના વન વિભાગમાં ફરજ બજાવતા વનરક્ષકો અને વનપાલ કર્મચારીઓ પોતાની લાંબા સમયથી પડતર રહેલી વિવિધ માંગણીઓના નિરાકરણ માટે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા સાત દિવસથી આંદોલન કરી રહ્યા છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં વનકર્મીઓ આ આંદોલનમાં જોડાયા છે. અંદાજે ૩,૦૦૦ જેટલા વનકર્મીઓ પોતાની માંગણીઓના સમર્થનમાં ધરણાં પર બેઠા હોવાના અહેવાલ છે.

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળના નેજા હેઠળ શરૂ થયેલા આ આંદોલનમાં કર્મચારીઓ સામૂહિક રજા પર ઉતરીને સરકાર સામે વિરોધ નોંધાવી રહ્યા છે. કર્મચારીઓનું કહેવું છે કે જંગલો, વન્યજીવો અને કુદરતી સંપત્તિની સુરક્ષા માટે દિવસ-રાત જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવવા છતાં તેમને મળતા પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓમાં અસમાનતા છે.

શું છે વનકર્મીઓની મુખ્ય પાંચ માંગણીઓ?

વનરક્ષક અને વનપાલ કર્મચારીઓ દ્વારા મુખ્યત્વે નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી રહી છે.

  1. ગ્રેડ પેમાં સુધારો: વનરક્ષક અને વનપાલના ગ્રેડ પેમાં રહેલી વિસંગતતા દૂર કરી અન્ય સમકક્ષ સરકારી વિભાગોના કર્મચારીઓની સમકક્ષ પગારધોરણ નક્કી કરવામાં આવે.
  2. જોખમ ભથ્થું: જંગલ વિસ્તારમાં હિંસક વન્યજીવો, શિકારીઓ, લાકડાની ગેરકાયદે હેરાફેરી અને અન્ય જોખમી પરિસ્થિતિઓ વચ્ચે ફરજ બજાવતા કર્મચારીઓને યોગ્ય રિસ્ક એલાઉન્સ આપવામાં આવે.
  3. રજાના પગારની મર્યાદા દૂર કરો: રજાના દિવસોમાં બજાવેલી ફરજનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ ૪૮ દિવસની પગાર મર્યાદા દૂર કરી નિયમ મુજબ સંપૂર્ણ વળતર આપવામાં આવે.
  4. બઢતી અને મહેકમમાં વધારો: ફોરેસ્ટર અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓ માટે યોગ્ય બઢતીની તકો ઊભી કરવામાં આવે, ખાલી જગ્યાઓ ભરવામાં આવે અને લાયકાત ધરાવતા અનુભવી કર્મચારીઓને પ્રમોશનમાં પ્રાથમિકતા આપવામાં આવે.
  5. બદલીના પ્રશ્નોનો ઉકેલ: લાંબા સમયથી પેન્ડિંગ રહેલી બદલીની અરજીઓનો ઝડપથી નિકાલ કરી કર્મચારીઓને પરિવાર અને વતનની નજીક ફરજ બજાવવાની તક આપવામાં આવે.

આંદોલનના પગલે વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે કર્મચારી આગેવાનોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં માંગણીઓ અંગે હકારાત્મક ચર્ચા અને નાણાં વિભાગમાં પડતર દરખાસ્તોનો ઝડપી નિકાલ કરવાની મૌખિક ખાતરી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો લેખિતમાં સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન સમેટવામાં આવશે નહીં.

આ આંદોલનની વિશેષ બાબત એ છે કે મહિલા વનકર્મીઓ પણ પોતાના નાના બાળકો સાથે સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાઈ છે. કેટલાક કર્મચારીઓના પરિવારજનો પણ તેમના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા છે. આંદોલન દરમિયાન કર્મચારીઓ દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વનકર્મીઓ લાંબા સમયથી સામૂહિક રજા પર હોવાથી જંગલ પેટ્રોલિંગ, વન્યજીવોની દેખરેખ, રેસ્ક્યૂ કામગીરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી પર અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતો દ્વારા પણ આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

એક તરફ વનકર્મીઓ પોતાની માંગણીઓના લેખિત ઉકેલ માટે મક્કમ છે, તો બીજી તરફ સરકાર દ્વારા આ મુદ્દે કેવો નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન સહિતના વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.

હવે સવાલ એ છે કે જંગલો અને વન્યજીવોની સુરક્ષાની જવાબદારી નિભાવતા વનકર્મીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો સરકાર ક્યારે કાયમી ઉકેલ લાવશે?

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો