મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વાપીના ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ અને સીઈટીપી પ્લાન્ટની મુલાકાત લીધી

ચંદ્રવદન બી મકવાણા

દિવાળી પૂર્વે વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યોની ભેટ આપવા માટે આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ વાપીની ઈકો ફ્રેન્ડલી મુક્તિધામ અને જીઆઈડીસીમાં આવેલા સીઈટીપી પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તેમજઆદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી અને જિલ્લાના પ્રભારી નરેશભાઈ પટેલ પણ જોડાયા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત વેળા નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વાપીની ઈકો ફ્રેન્ડલી મુક્તિધામની ખાસિયત જણાવતા કહ્યું કે, આ મુક્તિધામ સ્વનિર્ભર છે. અહી આવતા મૃતકોના સ્વજન પાસે એક પણ પૈસો લેવાતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપતુ આ મુક્તિધામ સોલાર આધારિત અને તમામ ભઠ્ઠી ગેસ આધારિત છે. અહીં લાકડાનો ઉપયોગ થતો નથી, જેના દ્વારા પર્યાવરણ બચાવો, વૃક્ષો બચાવોનો સંદેશ પણ આપવામાં આવે છે. એક વ્યકિતના મૃતદેહના અગ્નિ સંસ્કાર પાછળ કેટલા લાકડા બચે તેની વિગત પણ રોજે રોજ ડિસ્પ્લે પર બતાવવામાં આવે છે. આ સિવાય મૃતકના સ્વજનો માટે એસી સભાગૃહ, પ્રાર્થના ગૃહ અને અસ્થિ થોડા દિવસો માટે સંગ્રહ કરવાની પણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હોવાની માહિતી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આપી હતી. મુખ્યમંત્રીશ્રી એ પણ મુક્તિધામની સુવિધા જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી આ સાથે જ નદી કિનારે રમણીય સ્થળે બાગ-બગીચા સાથેની મુક્તિધામ જોઈ વાપી મુક્તિધામ ટ્રસ્ટના ડાયરેકટરોની મહેનત અને વિઝનને પણ બિરદાવ્યા હતા.

આ સાથે જ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ વાપી જીઆઈડીસીમાં આવેલા સૌથી મોટા સીઈટીપી પ્લાન્ટ પણ મુલાકાત લઈ અહીં થતી કામગીરીને નિહાળી હતી. આ સાથે જ મુખ્યમંત્રીશ્રીએ સીઈટીપી પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન અંગે સંદેશ આપ્યો હતો.

આ મુલાકાત વેળા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, સાંસદ ધવલભાઈ પટેલ, વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને વાપી વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલ,મનપા કમિશ્નર એન.એફ.ચૌધરી, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી શહેર સંગઠન પ્રમુખ મનિષભાઈ દેસાઈ,વીઆઈએના ઉપપ્રમુખ મગનભાઈ સાવલિયા, સેક્રેટરી કલ્પેશભાઈ વોરા, ખજાનચી રાજુભાઈ શાહ, વીઆઈએ એડવાઈઝરી બોર્ડના મેમ્બર યોગેશભાઈ કાબરીયા અને મિલન દેસાઈ તેમજ સીઈટીપી પ્લાન્ટના સીઈઓ જતીન મહેતા પણ સાથે જોડાયા હતા. જેઓએ મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીનું મુક્તિધામ અને સીઈટીપી પ્લાન્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું.

60
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો