અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – સાઠંબાના જીતપુરવાંટા તળાવમાં ખેડાણ મુદ્દે જૂથ અથડામણના આક્ષેપ, દૂધ ભરવા જતા બે યુવકો સહિત ત્રણને માર માર્યાની ફરિયાદ
અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના જીતપુરવાંટા તળાવમાં ખેડાણ કરવાના મુદ્દે તકરાર થતાં મારામારીની ઘટના બની હોવાની ફરિયાદ નોંધાઈ છે. તળાવમાં ઢોર ચરતા હોવાથી ખેડાણ બંધ કરાવવા જતાં ગાળાગાળી અને ઝઘડો થયો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ દલપતપુરા ત્રણ રસ્તા પાસે દૂધ ભરવા જઈ રહેલા બે યુવકોને માર મારવામાં આવ્યો હોવાની પણ ફરિયાદમાં વિગતો સામે આવી છે.

પ્રાપ્ત ફરિયાદની વિગતો મુજબ, કેશરપુરા ગામના પ્રતાપભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉં.વ. 50) ખેતીકામ કરીને ગુજરાન ચલાવે છે. ગત 2 નવેમ્બર, 2026ના રોજ બપોરના સમયે તેમના કાકાના દીકરા શિવાભાઈ માધાભાઈ પરમારને જીતપુરવાંટા તળાવમાં ઝઘડો થયો હોવાની જાણ થતાં તેઓ પરિવારજનો સાથે તળાવ ખાતે પહોંચ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, શિવાભાઈએ તેમને જણાવ્યું હતું કે ધરમડીવાંટા ગામના શંકરભાઈ ડાહ્યાભાઈ પરમાર અને તેમના પુત્ર કમલેશભાઈ તળાવના પાણીની કિનારી નજીક ટ્રેક્ટરથી ખેડાણ કરી રહ્યા હતા. તળાવમાં ઢોર ચરતાં હોવાથી ખેડાણ બંધ કરવાનું કહેતાં બંનેએ ગાળાગાળી કરી ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ છે
ત્યારબાદ સાંજના આશરે છ વાગ્યાના સુમારે પ્રતાપભાઈ દલપતપુરા ગામે દૂધ ભરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન દલપતપુરા ત્રણ રસ્તા પાસે તેમના સગા ગોપાલભાઈ અરવિંદભાઈ પરમાર અને રાજેશભાઈ નરેશભાઈ પરમારને કેટલાક લોકોએ અટકાવી ફેંટ પકડી ગડદાપાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
બંનેને છોડાવવા વચ્ચે પડતાં કમલેશભાઈ શંકરભાઈ પરમારે પ્રતાપભાઈના બંને પગના સાથળના ભાગે લાકડી મારી હોવાનો અને રાજેશભાઈને કપાળના ડાબી બાજુના ભાગે લાકડીનો ઘા માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઘટનામાં ઇજા થતાં પ્રતાપભાઈ અને રાજેશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે બાયડ સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રતાપભાઈએ શંકરભાઈ ડાહ્યાભાઈ પરમાર, કમલેશભાઈ શંકરભાઈ પરમાર, સુનિલભાઈ અરજણભાઈ પરમાર, સોમાભાઈ ડાહ્યાભાઈ પરમાર અને અશોકભાઈ ભીખાભાઈ પરમાર સામે કાયદેસરની તપાસ કરવા ફરિયાદ નોંધાવી છે.









