મહારાષ્ટ્રના ચાર ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપાયો, ચોરીમાં વપરાતી ફોર્ડ ફિગો કાર પણ કબજે; એક આરોપી ફરાર.


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી : નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ઘરફોડ ચોરીના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી ચીખલીગર ગેંગના બે કુખ્યાત આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં ઇકો કારની ચોરી કરી બંધ મકાનોને નિશાન બનાવી રાત્રિના સમયે તાળાં અને નકુચા તોડી ઘરફોડ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ઝડપાયેલા પૈકીનો એક આરોપી મહારાષ્ટ્ર રાજ્યના ધુળે અને જલગાંવ વિસ્તારમાં નોંધાયેલા ચાર ગુનાઓમાં પણ વોન્ટેડ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર, ગત તા. 16 ઓક્ટોબર 2026ના રોજ બીલીમોરા ગૌરવબાગ વિસ્તારના અલીપોરિયા સોસાયટી, સોમનાથ રોડ ખાતે આવેલા શ્રીકૃષ્ણ નિવાસ નામના બંધ મકાનમાં રાત્રિના સમયે તાળું તોડી ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. આ અંગે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
મિલકત સંબંધી ગંભીર પ્રકારનો ગુનો હોવાથી સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા ગુનો શોધી કાઢવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કરી અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને નવસારી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાએ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતા શખ્સોની ઓળખ કરી આરોપીઓને ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જેના આધારે PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા ટેકનિકલ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ASI લલિતભાઈ અશોકભાઈ અને HC સંદીપભાઈ પીઠાભાઈને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે બીલીમોરા ખાતે ઘરફોડ ચોરી કરનાર ચીખલીગર ગેંગના શખ્સો બેસ્તાન આવાસ, ડિંડોલી સુરત તથા અલથાણ SMC ક્વાર્ટર્સ ખાતે રહે છે અને તે પૈકીના બે શખ્સો સફેદ રંગની ફોર્ડ ફિગો કાર નંબર GJ-05-CS-5349માં ઘરફોડ ચોરી કરવા નીકળ્યા છે.
આ બાતમીના આધારે તા. 3 નવેમ્બર 2026ના રોજ PSI એમ.બી. ગામીતે નવસારી LCBની ટીમ સાથે બીલીમોરા-દેવસરથી ધકવાડા તરફ જતા રસ્તા પરથી બંને આરોપીઓને ફોર્ડ ફિગો કાર અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં (1) બોબીસિંગ ઉર્ફે બચ્ચનસિંગ ધુધરસિંગ બહાદુરસિંગ તિલપીતીયા, રહે. મકાન નં. 222, 224, મહાલક્ષ્મી સોસાયટી, શાંતિવન, ડિંડોલી, સુરત, મૂળ રહે. એકતા નગર ઝૂંપડપટ્ટી, વડોદરા અને (2) જરનેલસિંગ ઉર્ફે જલ્લુસિંગ રૂપસિંગ રતનસિંગ ટાંક, રહે. બિલ્ડિંગ નં. 7, SMC ક્વાર્ટર્સ, અલથાણ ગાર્ડન, સુરતનો સમાવેશ થાય છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ગત તા. 16 ઓક્ટોબરના રોજ ચીખલી કોલેજ રોડ પરથી સફેદ રંગની ઇકો કારની ચોરી કરી હતી અને ત્યારબાદ વહેલી સવારે બીલીમોરાના ગૌરવબાગ વિસ્તારની અલીપોરિયા સોસાયટીમાં આવેલા શ્રીકૃષ્ણ નિવાસના બંધ મકાનનું તાળું તોડી ઘરફોડ ચોરી કરી હોવાની હકીકત જણાવી હતી. બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે બીલીમોરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.નવસારી LCB દ્વારા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.સોનાની લગડી વજન 30.570 ગ્રામ, કિંમત રૂ. 3,10,285,રોકડ રકમ રૂ.700 મોબાઇલ ફોન નંગ-1, કિંમત રૂ. 5,000 સફેદ રંગની ફોર્ડ ફિગો કાર નંબર GJ-05-CS-5349, કિંમત રૂ. 3,00,000. આમ કુલ રૂ. 6,15,985નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ ગુનામાં ઝડપાયેલા બોબીસિંગ ઉર્ફે બચ્ચનસિંગ મહારાષ્ટ્ર રાજ્યના ધુળે અને જલગાંવ જિલ્લામાં નોંધાયેલા ચાર ગુનાઓમાં નાસતો ફરતો હોવાનું પોલીસ રેકર્ડમાં દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેના વિરુદ્ધ બેસ્તાન, પલસાણા, રાંદેર, બારડોલી, પાલ, નવસારી રૂરલ અને સુરતના પાંડેસરા સહિતના પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરી અને ચોરી સંબંધિત વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. બીજા આરોપી જરનેલસિંગ ઉર્ફે જલ્લુસિંગ વિરુદ્ધ અમદાવાદ, વડોદરા, ગોધરા, વ્યારા, સુરત, ભરૂચ અને દેવગઢબારિયા સહિતના વિસ્તારોમાં ચોરી તથા ઘરફોડ ચોરી સંબંધિત કુલ 17 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે. આ કેસમાં ચીખલીગર ગેંગનો અન્ય આરોપી અજયસિંગ ઉર્ફે મામુ મુરાસિંગ ઉર્ફે બલવંતસિંગ દુધાણી, રહે. બેસ્તાન આવાસ, સુરત હાલ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. તેને ઝડપી પાડવા વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ રાત્રિના સમયે ઇકો કારની ચોરી કરી બંધ મકાનોને નિશાન બનાવતા હતા. મકાનના દરવાજાના તાળાં અને નકુચા તોડી અંદર પ્રવેશ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ રીતે તેઓ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નવસારી LCBની આ સફળ કામગીરીથી ઘરફોડ ચોરી કરતી ચીખલીગર ગેંગના બે આરોપીઓ ઝડપાયા છે, જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.










