MORBI:મોરબી જૈન દેરાસર પાસે એક્ટિવા પર જઈ રહેલા શિક્ષિકા મહિલાને નિશાન બનાવી રૂ. 1.30 લાખની લૂંટ

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત દરબારગઢ રોડ પર આવેલા જૈન દેરાસર પાસે એક્ટિવા પર સવાર થઈને જઈ રહેલા વવાણીયા પ્રાથમિક શાળાના શિક્ષિકા મહિલાના ગળામાંથી બાઈક સવાર શખ્સો રૂ. ૧,૩૦,૦૦૦ ની કિંમતનો ૧ તોલાનો સોનાનો ચેઈન આંચકીને ફરાર થઈ ગયા હતા. ધોળા દિવસે બનેલી આ ચીલઝડપની ઘટનાને કારણે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વવાણીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પૂજાબેન અને તેમના પરિવારજન સવારના સુમારે પૂજા કરવા માટે જઈ રહ્યા હતા. તેઓ મોરબીના દરબારગઢ રોડ પર આવેલ જૈન દેરાસર પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન ડબલ સવારી મોટરસાયકલ પર ધસી આવેલા અજાણ્યા શખ્સોએ તકનો લાભ લઈને પૂજાબેનના ગળામાંથી સોનાના ચેઈન પર આંચકો માર્યો હતો અને અંદાજે ૧,૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનો એક તોલાનો સોનાનો ચેઈન લૂંટીને પલાયન થઈ ગયા હતા.
ચાલુ વાહને અચાનક થયેલી આ લૂંટની ઘટનામાં સદનસીબે શિક્ષિકા મહિલાને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી, પરંતુ ધોળા દિવસે અને જાહેરમાં બનેલી આ ઘટનાથી ભોગ બનનાર મહિલા તથા પરિવારજનો ભયભીત થઈ ગયા હતા.
દિનપ્રતિદિન વધી રહેલા આવા અસામાજિક તત્વોના ત્રાસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ભોગ બનનાર મહિલાએ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક ઈસમો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને લૂંટારૂઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.













