પી.એમ. શ્રી ભરાડા (રેલ્વા) પ્રાથમિક શાળામાં પ્રાકૃતિક રંગોળી સ્પર્ધા યોજાઈ

ફૂલ-પાન અને કુદરતી સામગ્રીમાંથી વિદ્યાર્થીઓએ બનાવી આકર્ષક રંગોળીઓ; પ્રકૃતિપ્રેમ અને સર્જનાત્મકતાનો અનોખો સંગમ જોવા મળ્યો

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા
નર્મદા જિલ્લાના ચીકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ગામે આવેલી પી.એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને પ્રકૃતિ પ્રત્યેનો લગાવ વિકસે તેવા હેતુથી ફૂલ અને પાનની પ્રાકૃતિક રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત કલાત્મક પ્રતિભાને ઉજાગર કરવા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ, પ્રકૃતિપ્રેમ અને ભારતીય સંસ્કૃતિની પરંપરાગત રંગોળી કળા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.
સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારનાં ફૂલો, પાંદડાં, કુદરતી બીજ અને વનસ્પતિમાંથી મળતી સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષક રંગોળીઓ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક આવડતના માધ્યમથી કુદરતી રંગોનું મનમોહક સંયોજન રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
આ પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીઓને કુદરતી સંસાધનોનું મહત્ત્વ સમજવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવાની પ્રેરણા મળી હતી. શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવી આવી પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમ જણાવ્યું હતું.
કુદરતના ખોળે ખીલેલી આ રંગોળીઓએ શાળાના વાતાવરણને રંગીન બનાવવાની સાથે બાળકોમાં રહેલી કલાત્મક પ્રતિભાને પણ સુંદર અભિવ્યક્તિ આપી હતી.










