તા.૫/૧૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અનધિકૃત કોમર્શિયલ બાંધકામ, સરકારી જમીનમાં દબાણ, જમીન રી-સર્વે સહિતના પ્રશ્નોની રજૂઆતનું હકારાત્મક નિરાકરણ આવ્યું
Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ગત તા. ૨૨ ઓક્ટોબરના રોજ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્ટેમ્બર માસમાં સમાવેશ કરવામાં આવેલા વિવિધ વિભાગને લગતા ૬૮ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રશ્નોનું સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે સંકલનમાં રહીને નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજકોટ શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અરજદારો દ્વારા જમીન રી-સર્વે, રોડ-રસ્તા રીપેરીંગ, ખરાબાની જમીન સોપણી કરવા, સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ દૂર કરવા, નદી કિનારે ખુલ્લામાં કચરાનો નિકાલ, ડ્રોમાં લાગેલા આવાસ ફાળવણી, વિવિધ સરકારી સહાયમાં વિલંબ, સાર્વજનિક પ્લોટમાં પાણીનો નિકાલ અટકાવવા, પાણીના કનેક્શન આપવા, અનધિકૃત બાંધકામ દૂર કરવા, બાકી રકમના બિલનું ચૂકવણું, જાહેર માર્ગ પર દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે વાદી તેમજ પ્રતિવાદી પક્ષકારોની રજૂઆતો બાદ સંબંધિત તાલુકા મામલતદારશ્રી, અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગ તેમજ અન્ય સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી પ્રશ્નોના નિકાલ કર્યા હતા.
આ બેઠકમાં પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ નિયામકશ્રી જમીન દફતર વિભાગ, ધોરાજી, ગોંડલ, જસદણ, રાજકોટ શહેર -૧ તથા રાજકોટ શહેર–૨ના પ્રાંત અધિકારીશ્રી સહિત રાજકોટ જિલ્લાના મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.









