કેન્દ્રીય ચૂંટણી પંચે નિર્દેશ આપ્યા છે કે જે રાજ્યોમાં હાલમાં SIR (મતદાર યાદીની વિશેષ પુનરીક્ષણ પ્રક્રિયા) ચાલી રહી છે, ત્યાં ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત થયેલા મતદારોને શોધવા માટે ફરી એકવાર ખાસ ઝુંબેશ ચલાવવામાં આવે.

આ નિર્દેશ દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઝારખંડ સહિતના રાજ્યો માટે જારી કરવામાં આવ્યા છે. આ અંતર્ગત જે મતદારોના નામ યાદીમાંથી હટી ગયા છે, BLO ફરી એકવાર આવા મતદારોનો સંપર્ક કરશે અને તેમને જરૂરી ફોર્મ ભરવા તથા મતદાર યાદીમાં નામ ફરીથી સામેલ કરાવવાની પ્રક્રિયામાં મદદ કરશે.
ચૂંટણી પંચે અધિકારીઓને સમગ્ર પ્રક્રિયા પર સખત નજર રાખવા તાકીદ કરી છે. આનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ પાત્ર મતદાર આખરી મતદાર યાદીમાં જોડાવાના અધિકારથી વંચિત ન રહે અને સાથોસાથ કોઈ બોગસ કે ડુપ્લિકેટ નામ યાદીમાં ન ઘૂસી જાય. પંચના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. સતત સુધારણા પ્રક્રિયા હેઠળ રહી ગયેલા મતદારોના નામ જોડવામાં આવી શકે છે, જે માટે ECI એ તમામ મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને સુવિધા પૂરી પાડવા આદેશ આપ્યો છે.









