જો દેશની કોઈ મોટી બૅંક અચાનક ડૂબી જાય અને અડધાથી વધુ વસ્તીના ખાતા ફ્રીઝ થઈ જાય તો શું થાય? દક્ષિણ અમેરિકાના દેશ પેરાગ્વેમાં અત્યારે આવો જ ખૌફનાક માહોલ છે. લોકોની આખી જિંદગીની કમાણી અટવાઈ ગઈ છે, કર્મચારીઓ રસ્તા પર ઉતરીને પોતાના ક્રેડિટ કાર્ડ સળગાવી રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે આ કટોકટીના કારણે દેશના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાએ પણ ખુરશી છોડવાનો વારો આવ્યો છે.

આ કૌભાંડમાં સપ્ટેમ્બર 2025નો એક દિવસ સૌથી મોટો વળાંક સાબિત થયો. માત્ર 24 કલાકની અંદર બૅંકમાંથી $39 મિલિયન જેટલી જંગી રકમ માલિકો સાથે જોડાયેલી અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાઈ. આ પૈસા બૅંકના માલિકોના ન હતા, સામાન્ય ગ્રાહકોની બચત અને સરકારી પેન્શન ફંડના હતા. એક જ દિવસમાં આટલી મોટી રકમ સગેવગે થવાથી નાણાકીય નિયામકો (રેગ્યુલેટર્સ)ના રડારમાં આ બૅંક આવી ગઈ.
બૅંકિંગ સિસ્ટમમાં ‘સોલ્વન્સી’ (Solvency)નો નિયમ બહુ મહત્ત્વનો છે. આ નિયમ મુજબ, દરેક બૅંકે પોતાની પાસે અમુક ચોક્કસ ટકાવારીમાં રોકડ (અનામત) હંમેશાં રાખવી જ પડે છે. આ એટલા માટે જરૂરી છે જેથી ગ્રાહકો જ્યારે પોતાના પૈસા ઉપાડવા માંગે ત્યારે બૅંક તેમને તરત ચૂકવી શકે.
પરંતુ ueno બૅંકે પોતાના જ માલિકોની કંપનીઓને કરોડો ડોલરની લોન આપી દીધી હોવાથી બૅંક પાસે રોકડની ભારે અછત ઊભી થઈ. જ્યારે સામાન્ય ગ્રાહકો પોતાના જમા પૈસા પાછા લેવા આવ્યા, ત્યારે બૅંક પાસે તેમને ચૂકવવા માટે પૂરતા પૈસા બચ્યા જ નહોતા. એટલે કે બૅંક નાદાર (કંગાળ) થવાની અણી પર આવી ગઈ હતી, જે સોલ્વન્સી નિયમનો ભંગ હતો.
દેશની સેન્ટ્રલ બૅંકને ખબર પડી કે ueno બૅંક પાસે ગ્રાહકોને ચૂકવવાના પૈસા નથી અને મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે ત્યારે તેણે ગ્રાહકોના હિતના રક્ષણ માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો. ત્યાર પછી 3 નવેમ્બર, મંગળવારે સેન્ટ્રલ બૅંકે કડક પગલાં લઈને ueno બૅંકનું આખું સંચાલન પોતાના હાથમાં (ટેકઓવર) લઈ લીધું. તેણે તાત્કાલિક અસરથી બૅંકની તમામ બ્રાન્ચ, મોબાઈલ એપ અને ઓનલાઈન ટ્રાન્સફર સર્વિસ બંધ કરી દીધી. આ પગલું લેવાનું કારણ એ હતું કે, બૅંકના સંચાલકો બાકી બચેલા પૈસા પણ સગેવગે ન કરી શકે અને અન્ય બૅંકોની મદદથી ગ્રાહકોને તેમના પૈસા ધીમે ધીમે પાછા આપી શકાય.
આ કટોકટીથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. બૅંકની એપ, કાર્ડ અને તમામ ટ્રાન્સફર સેવાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અન્ય બૅંકોમાં ખાતા ખોલાવવા જતાં તેમની મોબાઇલ ઍપ્લિકેશનો પણ ક્રેશ થઈ ગઈ છે. ueno બૅંક બંધ થવાને કારણે લગભગ 7000 જેટલા યુવા કર્મચારીઓના પગાર અટકી ગયા. તેથી તેઓ શ્રમ મંત્રાલયની બહાર વિરોધ કરવા બેસી ગયા છે. ઉપરાંત, અંદાજે 32000 જેટલા પેન્શનરો પણ પ્રભાવિત થયા છે; તેમના ખાતા હવે અન્ય બૅંકોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. સત્તાવાળાઓ નાના ખાતાધારકોને(લગભગ $1600 સુધીના) પાંચ દિવસમાં પૈસા ચૂકવવાની ખાતરી આપીને માહોલ શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ આખી ઘટનામાં રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પીનાનું નામ ઉછળતાં મોટો રાજકીય વિવાદ સર્જાયો. પેના અગાઉ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે. બૅંક ચલાવતા જૂથ સાથે તેમના જૂના વ્યાપારી સંબંધો હતા. વિપક્ષે તેમના પર પેન્શન ફંડનો દુરુપયોગ અને કૌભાંડ છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો. સત્તાધારી કોલોરાડો પાર્ટીમાં પણ મોટું ભંગાણ પડ્યું. પાર્ટીના વરિષ્ઠ નેતા હોરાસિયો કાર્ટેસે મહાભિયોગની માંગણી કરી. જનતાનો રોષ અને મહાભિયોગની કાર્યવાહીના દબાણ હેઠળ રાષ્ટ્રપતિ પેનાએ ગુરુવારે રાજીનામું આપવું પડ્યું.
હાલમાં બૅંકના પ્રમુખે આત્મસમર્પણ કર્યું છે અને અન્ય આઠ ઉચ્ચ અધિકારીઓ સામે ધરપકડ વોરંટ જાહેર કરાયા છે. સેન્ટ્રલ બૅંકના પ્રમુખ કાર્લોસ કાર્વાલોએ પણ રાજીનામું આપી દીધું છે. પેરાગ્વેએ વર્ષોથી વિદેશી રોકાણકારો માટે પોતાને એક સ્થિર દેશ તરીકે રજૂ કર્યો હતો, પરંતુ આ બૅંકિંગ કટોકટીએ દેશના અર્થતંત્ર અને રાજકીય સ્થિરતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરી દીધો છે.









