રાતના સમયે પરિવાર સાથે નીકળ્યા હોઈએ અને અજાણ્યા રસ્તે અચાનક ગાડી બંધ પડી જાય, ત્યારે સૌથી પહેલાં મનમાં એક જ સવાલ ઊઠે છે, “હવે કોને ફોન કરીએ?” આવી ઘડીએ અજાબના સીમાડે લગાવેલું એક બોર્ડ રાહ બતાવે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામના સરપંચ મગનભાઈ અઘેરાએ આ બોર્ડ પર પોતાનો સંપર્ક નંબર જાહેર કર્યો છે, જેથી રસ્તામાં મુશ્કેલીમાં મુકાયેલા કોઈ પણ મુસાફર દિવસ હોય કે રાત, મદદ માટે ફોન કરી શકે. કેશોદ, મેંદરડા અને માળિયા તાલુકાને જોડતા માર્ગ પર અજાબ આવેલું છે. નજીકમાં કેશોદનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન છે. દિવાળીના દિવસોમાં સાસણ ગીર ફરવા જતા પ્રવાસીઓ અને તહેવાર મનાવવા વતન જતા પરિવારોની અવરજવરથી આ માર્ગ વધુ વ્યસ્ત રહે છે. એવા સમયે વાહન બગડે, પંચર પડે, પેટ્રોલ કે ડીઝલ ખૂટી જાય, અકસ્માત થાય કે પરિવારનું કોઈ સભ્ય અચાનક બીમાર પડે, ત્યારે અજાણ્યા વિસ્તારમાં નાની મુશ્કેલી પણ મોટી ચિંતા બની જાય છે. એ ઘડીએ ફોન ઉપાડીને કોઈ પૂછે, “તમે ક્યાં છો? કહો, હું મદદ કરું,” તો ગભરાયેલા પરિવારને કેટલો મોટો હૈયાધારણ મળે! ગામના સીમાડામાં કોઈ બનાવ કે અકસ્માત બને ત્યારે ગ્રામજનો પણ ઘણી વાર સૌ પહેલાં સરપંચને જાણ કરે છે. ખેતરમાં કામ કરતાં વીજ કરંટ લાગે, સાપ કે વીંછી કરડે અથવા થ્રેસરમાં અકસ્માત થાય, એવી ઘડીએ પણ મગનભાઈ રાત દિવસ મદદ માટે દોડી આવે છે. રસ્તા પર લગાવેલા આ કાયમી બોર્ડથી એ જ સહારો હવે અજાબમાંથી પસાર થતા અજાણ્યા મુસાફરો સુધી પણ પહોંચ્યો છે. આ પહેલ વિશે સરપંચ મગનભાઈ અઘેરા કહે છે, “હોદ્દો મળે ત્યારે લોકોની સેવા કરવાની તક મળે છે. કોઈ પરિવાર મુશ્કેલીમાં હોય અને આપણે એની પડખે ઊભા રહી શકીએ, ત્યારે જ એ હોદ્દો શોભે છે. અજાબના સીમાડે કોઈ મુશ્કેલીમાં મુકાય તો તેને એટલો ભરોસો રહે કે અહીં મદદ માટે કોઈ છે.”

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 






