તસ્વીર:કુંજન પાટણવાડીયા

ઉમરેઠ તાલુકાના પરવટા ગામ નજીક મુખ્ય માર્ગ પર આપવામાં આવેલું ડાયવર્જન વાહનચાલકો માટે અત્યંત જોખમી સાબિત થઈ રહ્યું છે. રાત્રિના અંધકારમાં યોગ્ય સાઈનબોર્ડ કે રિફ્લેક્ટરના અભાવે ડાયવર્જન સ્પષ્ટ ન દેખાતાં હરિયાણાથી મુંબઈ તરફ બાસમતી ચોખાનો જથ્થો ભરીને જઈ રહેલી એક ભારે ટ્રક અચાનક પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ માલસામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, પરવટા પાસેના આ ચોક્કસ સ્થળે ડાયવર્જનના કારણે વાહનો પલટી ખાવાની આ કોઈ પહેલી ઘટના નથી. માત્ર થોડા જ દિવસોના ટૂંકા ગાળામાં અહીં ટ્રક પલ્ટી મારી જવાની આ બીજી ઘટના સામે આવી છે. માર્ગ નિર્માણ કે સમારકામ કરતી એજન્સી દ્વારા યોગ્ય ચેતવણી દર્શાવતા બોર્ડ, બ્લિંકર કે રેડિયમ પટ્ટીઓ લગાવવામાં ન આવતા રાત્રિના સમયે બહારથી આવતા અજાણ્યા વાહનચાલકો સીધા જ અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

વારંવાર એક જ જગ્યાએ અકસ્માતો સર્જાવા છતાં માર્ગ અને મકાન વિભાગ કે સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. અગાઉ થયેલા અકસ્માત છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ન જાગતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિક કે ચાલકનો જીવ જાય તે પછી જ જાગશે? સ્થાનિક આગેવાનોએ તાકીદે આ જોખમી ડાયવર્જન પર પૂરતી લાઇટિંગ, મોટા રિફ્લેક્ટિવ સાઈનબોર્ડ અને બેરિકેડિંગ સાથે સ્પીડ બ્રેકર લગાવવાની લોકમાગ ઊઠી છે









