વિશ્વમાં પહેલી વાર વિલ્મા નામની આનુવંશિક રીતે સુધારેલી ડુક્કરની કિડની માનવ શરીરમાં કાર્યરત થઈ છે. તેણે કિડની ફેલિયરથી પીડાતા 66 વર્ષીય વ્યક્તિને નવ મહિના સુધી જીવતો રાખ્યો અને માનવ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એક કડીનું કામ કર્યુ છે. આનાથી વિશ્વભરમાં એવા કિડની દર્દીઓને નવી આશા મળી છે જેઓ ટાઇપ 2 ડાયાબિટીસને કારણે અંતિમ તબક્કાના કિડની રોગથી પીડાઈ રહ્યા છે.
અમેરિકાના ટિમ એન્ડ્રુઝ ટાઇપ 2 ડાયાબિટીસને કારણે અંતિમ તબક્કાના કિડની રોગથી ગંભીર રીતે બીમાર હતા. તેમને આગામી પાંચ વર્ષમાં માનવ કિડની મળવાની માત્ર 9% શક્યતા હતી, જ્યારે તેમના મૃત્યુનું અથવા વેટિંગ લિસ્ટમાંથી હટાવી દેવાનું જોખમ 40% સુધી હતું. અમેરિકન સર્જનોએ એન્ડ્રુઝના શરીરમાં ડુક્કરની કિડની સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી, જે સફળ રહ્યું.
ધ લેન્સેટમાં ગુરુવારે પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ કિડનીની ગંભીર બીમારી વાળા દર્દીના શરીરમાં આનુવંશિક રીતે સુધારેલી ડુક્કરની કિડની 271 દિવસ સુધી કાર્યરત રહી. આ દરમિયાન દર્દીને ડાયાલિસિસની જરૂર નહોતી પડી અને બાદમાં માનવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી.
અમેરિકાનો આ કેસ આશા જગાડે છે કે ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન – એટલે કે અલગ-અલગ પ્રજાતિઓ વચ્ચે કોશિકાઓ અથવા અવયવોનું પ્રત્યારોપણ – માનવ દાતાની રાહ જોતા લોકો માટે કામચલાઉ સેતુ તરીકે કામ કરી શકે છે. તેને એક મોટી તબીબી સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
ટિમ એન્ડ્રુઝને જાન્યુઆરી 2025 માં જેનેટિકલી એડિટેડ ડુક્કરની કિડની લગાવવામાં આવી હતી. તેમનો કેસ જીવંત માનવમાં ડુક્કરની કિડની ઝેનોટ્રાન્સપ્લાન્ટ પછીનો સૌથી લાંબો ડાયાલિસિસ-મુક્ત આયુષ્યનું ઉદાહરણ છે અને માનવ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન તરફનું પ્રથમ પગલું દર્શાવે છે.









