તાપીના શહીદ ઋત્વિક કુમાર ચૌધરીના પરિવારને રૂ. 1 કરોડની સહાય અને વિશેષ સન્માન આપવા સરકાર સમક્ષ માંગ

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

તાપી જિલ્લાના ઉખલદા ગામના વીર જવાને જમ્મુ-કાશ્મીર સરહદે દેશની રક્ષા કાજે આપ્યું સર્વોચ્ચ બલિદાન : શહીદ પરિવાર માટે ૧૦ મુદ્દાની રજૂઆત

તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના ભૂમિપુત્ર અને ભારતીય સેનાની 57 ફિલ્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા વીર જવાન ઋત્વિક કુમાર અશોકભાઈ ચૌધરી ગત તા. ૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ની રાત્રે જમ્મુ-કાશ્મીર સરહદ વિસ્તારમાં દેશની રક્ષા કાજે ફરજ દરમિયાન શહીદ થયા હતા. વીર જવાનના સર્વોચ્ચ બલિદાનથી સમગ્ર તાપી જિલ્લામાં શોકની સાથે ગૌરવની લાગણી પ્રસરી છે.

શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજકીય તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજ્ય પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયા, ડો. નિરવભાઈ પટેલ, મિત્તલ ચૌધરી, એક્સ આર્મી નાયક મુકેશ નારણપોર, કાર્તિક, મનીષ ઢોડિયા તેમજ ગુજરાત સરકારના મંત્રી જયરામ ગામિત, માજી મંત્રી કુંવરજી હળપતી, માજી સાંસદ અમરસિંહ ઝેડ. ચૌધરી સહિતના આગેવાનોએ શહીદ વીર જવાનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શહીદ પરિવાર માટે ૧૦ મુદ્દાની માંગ

શહીદ જવાનનો પરિવાર સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતો હોવાથી સરકાર દ્વારા માત્ર ઔપચારિક સહાય પૂરતી ન રહે, પરંતુ પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરતું વિશેષ સન્માન અને કાયમી પુનર્વસન પેકેજ આપવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લા કલેકટર, ગૃહ મંત્રી અને વરિષ્ઠ સચિવોને ઈમેલ મારફતે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં મુખ્યત્વે રૂ. ૧ કરોડની તાત્કાલિક આર્થિક સહાય, પરિવારના આશ્રિતને સરકારી નોકરી, શહીદ સ્મારકનું નિર્માણ, સ્થાનિક મુખ્ય માર્ગ/ચોક અથવા શાળાનું નામ શહીદના નામે રાખવા સહિતની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત શહીદના આશ્રિત બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ફી અને હોસ્ટેલ સહિતનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવા, મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારને પ્રાથમિકતાના ધોરણે પાકું મકાન અથવા આવાસ સહાય આપવા અને તમામ સરકારી લાભો સરળતાથી મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ વરિષ્ઠ નોડલ અધિકારીની નિમણૂક કરવાની માંગ કરાઈ છે.

તાપીના યુવાનોને સૈન્યમાં જોડાવા પ્રેરણા મળે તે માટે શહીદના નામે સૈન્ય ભરતી અને માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવા તેમજ પરિવારને આરોગ્ય, આવાસ અને સામાજિક સુરક્ષાની તમામ યોજનાઓનો અગ્રતાના ધોરણે લાભ આપવા પણ રજૂઆત કરાઈ છે.

પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાયની માંગ

સમાજના આગેવાનોએ વધુમાં માંગ કરી છે કે શહીદ ઋત્વિક કુમાર ચૌધરીના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવે ત્યારે રાજ્ય સરકારના ઉચ્ચ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવે.

આગેવાનોએ જણાવ્યું હતું કે દેશની સરહદોની રક્ષા કરતાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર જવાનના પરિવારને પોતાના હક માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે સરકારની જવાબદારી છે. શહીદ પરિવારની આ માંગણીઓને સામાન્ય વહીવટી પ્રક્રિયા તરીકે નહીં પરંતુ સર્વોચ્ચ સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે લેવામાં આવે અને તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમયબદ્ધ નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

“સાચું શહીદ સન્માન માત્ર શ્રદ્ધાંજલિ આપવાથી નહીં, પરંતુ શહીદના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત અને સન્માનપૂર્વકનું બનાવવાથી જ થશે” એવો સ્પષ્ટ સંદેશ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવ્યો છે.

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો