ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટની માનવસેવામાં મોટી પહેલ, 11 સ્થળે રક્તદાન કેમ્પોથી 1,767 યુનિટ રક્ત એકત્રિત

માનવસેવાને હંમેશા પ્રથમ સ્થાન આપતા ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલ વક્ફ કમિટી દ્વારા આ મહિના દરમિયાન રક્તદાન ક્ષેત્રે સતત અને સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ઈદે મિલાદુન્નબી નિમિત્તે શરૂ કરાયેલા ‘રહમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ’ અભિયાન અંતર્ગત અલગ-અલગ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજી મોટી સંખ્યામાં લોકોને આ સેવાકાર્ય સાથે જોડવામાં આવ્યા છે.
ટ્રસ્ટ દ્વારા એક જ સ્થળે કાર્યક્રમ યોજીને કામગીરી પૂર્ણ કરવાને બદલે અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત વડુ, ગોરવા વડોદરા, અડાસ, વસો, સીલવાય, રાજપારડી, રાજપીપળા, સાધલી, જંબુસર, ખંભાત અને કનાયડા સહિત કુલ 11 સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાઈ ચૂક્યા છે.
આ 11 કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 1,767 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. આ આંકડો ટ્રસ્ટની સેવાકીય કામગીરી અને લોકોના સહયોગની મોટી સાબિતી માનવામાં આવી રહ્યો છે.
1,767 યુનિટ રક્ત એટલે માત્ર એક આંકડો નહીં, પરંતુ જરૂરિયાતના સમયે અનેક દર્દીઓ અને તેમના પરિવારો માટે આશાની કિરણ. અકસ્માત, ઓપરેશન, પ્રસૂતિ કે ગંભીર બીમારી દરમિયાન રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે એક યુનિટ રક્ત પણ કોઈના જીવન માટે અમૂલ્ય બની શકે છે.
ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જ વિચાર સાથે લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા, યુવાનોને રક્તદાન માટે પ્રેરિત કરવા અને સમાજમાં સેવાભાવની ભાવના મજબૂત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ટ્રસ્ટની આ કામગીરીને સમાજના આગેવાનો, યુવાનો અને રક્તદાતાઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એક પછી એક અલગ-અલગ સ્થળોએ કેમ્પ યોજીને ટૂંકા સમયગાળામાં 1,767 યુનિટ રક્ત એકત્રિત કરવું ખરેખર રેકોર્ડરૂપ અને સરાહનીય કામગીરી બની રહી છે.
મહત્વની વાત એ છે કે આ સેવાયાત્રા અહીં અટકવાની નથી. આગામી દિવસોમાં પણ વિવિધ સ્થળોએ વધુ રક્તદાન કેમ્પ યોજવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આ માનવતાના કાર્ય સાથે જોડાઈ શકે.
ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યુથ સર્કલ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે રક્તદાનને માત્ર દાન ન સમજતા માનવસેવાની જવાબદારી સમજી આગળ આવે.
કારણ કે આપણે આપેલું રક્ત કોઈ અજાણ્યા વ્યક્તિને નવું જીવન આપી શકે છે… અને કોઈના પરિવારની આંખોમાં ફરી ખુશી લાવી શકે છે.
ઈરફાન ખત્રી
રાજપારડી





