જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જૂનાગઢ અને ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જૂનાગઢ શહેરમાં સરકારી કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જાણીતા શિક્ષણવિદ, તત્વચિંતક એવા મહાન વ્યક્તિત્વ શ્રી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિતે દર વર્ષે તારીખ પાંચમી સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિવસની સમગ્ર દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ ૨૦૨૬ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મંચસ્થ મહાનુભાવોના હસ્તે સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરેલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે બે શિક્ષકોએ શિક્ષક દિવસ નિમિતે પોતાના અભિપ્રાયો આપ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઇ હતી. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ અને કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી લીનાબેન કાવાણીએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ તકે પ્રાસંગિક રૂપરેખા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયએ આપી હતી. કાર્યક્રમના અંતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અશોકભાઈ વાણવીએ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ સમિતિના ચેર પર્સન શ્રી હર્ષાબેન સવસાણી, જૂનાગઢ પ્રાંત અધિકારી શ્રી વૃષાલી કાંબલે, વિસાવદર પ્રાંત અધિકારી શ્રી ચિરાગ હિરવાણિયા, ડીવાયએસપી શ્રી ધાંધલીયા, પ્રાચાર્ય શ્રી આશાબેન રાજ્યગુરુ, બોર્ડ મેમ્બર શ્રી નિલેશભાઈ સોનારા, અગ્રણી શ્રી વિપુલભાઈ કાવાણી, જિલ્લા શિક્ષણ સંઘના હોદ્દેદારો, વિવિધ શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહયા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








