સુપ્રીમ કોર્ટે સોમવારે મહારાષ્ટ્રમાં રાજકીય પક્ષોના સભ્યો દ્વારા ડૉક્ટરો સાથે થતી મારામારીની વધતી ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે સરકારને કડક સૂચના આપી છે કે ડૉક્ટરો પર હુમલો કરનારા આવા રાજકારણીઓની તાત્કાલિક અટકાયત કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની એક હૉસ્પિટલમાં શિવસેના નેતાઓ દ્વારા ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓ સાથે કરવામાં આવેલી મારામારીના બીજા જ દિવસે આવી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે વહેલી સવારે રિલીફ હૉસ્પિટલમાં બની હતી. દહી હાંડી ઉત્સવ દરમિયાન ઘાયલ થયેલા એક વ્યક્તિને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાના મુદ્દે હૉસ્પિટલના પેસેજમાં અચાનક વિવાદ અને હંગામો શરૂ થયો હતો. હૉસ્પિટલના એક કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, શિવસેનાના જિલ્લા પ્રમુખ કુંદન સંખે, શહેર પ્રમુખ રાહુલ ઘરત અને અન્ય લોકો હૉસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ઘૂસી ગયા હતા અને ડૉક્ટરો સાથે બહેસ કરવા લાગ્યા હતા. સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે પાર્ટીના કેટલાક સભ્યો હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ(ICU)માં પણ જબરદસ્તી ઘૂસી ગયા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જ્યારે એક રિસેપ્શનિસ્ટે વચગાળાનો રસ્તો કાઢવા અને બચાવ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એક આરોપીએ તેને થપ્પડ મારી દીધી હતી. આ ઉપરાંત, બચાવ કરવા આવેલી એક મહિલા કર્મચારીને પણ ધમકી આપવામાં આવી હતી. પાલઘર પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના જૂથના સભ્યો સહિત ઓછામાં ઓછા 17 લોકો સામે એફઆઇઆર નોંધાવી છે.
ડૉક્ટરો પર હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ આવા જ એક કિસ્સામાં કલ્યાણની એક નાગરિક હૉસ્પિટલમાં શિવસેનાના એક કોર્પોરેટર પર ડૉક્ટરો સાથે મારામારી કરવાનો આરોપ લાગ્યો હતો. તે મામલે પોલીસે આરોપી રમેશ મ્હાત્રે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.








