MORBI:મોરબી અલનીનોની અસરથી ઓછા વરસાદ વાળા વિસ્તારોમાં રાહત પેકેજ અને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ
મોરબી:વર્ષ 2026ના મોનસૂન દરમિયાન અલનીનોની અસરને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનિયમિત વરસાદ થયો છે. ક્યાંક મહત્તમ તો ક્યાંક અતિ લઘુત્તમ વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં અછત અને સૂકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજય પટેલ ઝાલરીયા દ્વારા ખેડૂતો અને માલધારીઓના હિતમાં વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તથા મોરબી જિલ્લા કલેક્ટરશ્રીને લેખિત અરજ કરીને માંગ કરી છે કે સરકારી એજન્સીઓ દ્વારા ત્વરિત સર્વે કરાવવામાં આવે અને જરૂરિયાતમંદ વિસ્તારો માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે.

સિંચાઈ અને પીવાનું પાણી: એગ્રીકલ્ચર અને ડેરી ફાર્મર્સ માટે જળાશયો રિચાર્જ કરવા, કનેક્ટિવિટી વધારવી અને સિંચાઈ તેમજ માલધારીઓ અને પશુઓ માટે પીવાના પાણીની યોગ્ય સુવિધા ઊભી કરવી.કિસાન સહાયતા પેકેજ અને પાક ધિરાણ રાહત: કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતોને આર્થિક સહાય આપવી તથા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે તેમને આ સીઝન માટે પાક ધિરાણમાં રાહત આપવી.
વીજ પુરવઠો: ખેતીવાડી અને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માટે પર્યાપ્ત અને પૂરતા પ્રમાણમાં વીજળી (લાઇટિંગ) પૂરી પાડવી.
ઘાસચારાની સુવિધા: ડેરી એનિમલ ફાર્મર્સ માટે પશુઓના રક્ષણ અર્થે પૂરતા પ્રમાણમાં સરકારી ધોરણે ઘાસચારાની પૂર્તિ કરવી.અજય પટેલ ઝાલરીયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે જાહેર હિત અને ખેડૂત-માલધારીઓ હોનારતમાંથી ઉગરી શકે તે માટે કેન્દ્ર, રાજ્ય અને મોરબી જિલ્લા પ્રશાસન દ્વારા ત્વરિત અને સંતોષકારક પગલાં લેવામાં આવે.







