મોડાસા – ધુનાવાડાની મંજૂર થયેલી માધ્યમિક શાળા ગારુડી ખસેડાતા સવાલો,આઠ ગામના બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ,

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ધુનાવાડાની મંજૂર થયેલી માધ્યમિક શાળા ગારુડી ખસેડાતા સવાલો,આઠ ગામના બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ,

આઠ ગામના બાળકોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ, શિક્ષકદિને વડાપ્રધાનની તસવીર સામે પ્રાર્થના કરી રજૂ કર્યો વિરોધ

“ધુનાવાડા ખાતે મંજૂર થયેલી શાળા આખરે ગારુડી ગામે ખસેડાઈ કેમ..?”

મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ધુનાવાડા ગામે સરકારી માધ્યમિક શાળાના સ્થળ પરિવર્તનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ધુનાવાડા ખાતે વર્ષ 2018-19 દરમિયાન મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળા હવે ગારુડી તરફ ખસેડવામાં આવી રહી હોવાના મુદ્દે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ નિર્ણયથી ધુનાવાડા સહિત આસપાસના આઠ ગામના બાળકોના શિક્ષણ પર અસર થવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ધુનાવાડા ઉપરાંત ચોપડા, સીતપુર, સીતપુર ઓરડા, ખડોદા, નવાખડોદા, જાનેડા અને રવિપુરા કંપા ગામના વિદ્યાર્થીઓને ધોરણ 10 સુધીનું શિક્ષણ નજીકમાં મળી રહે તે હેતુથી ધુનાવાડા ખાતે માધ્યમિક શાળાને મંજૂરી આપવામાં આવી હતી. શાળાના મકાન માટે ગ્રામ પંચાયત દ્વારા આશરે અઢી એકર જમીન ફાળવવામાં આવી હોવાનો પણ ગ્રામજનોનો દાવો છે.મંજૂરી બાદ શરૂઆતમાં ધુનાવાડા પ્રાથમિક શાળાના મકાનમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા.

જોકે, ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ દર્શાવી શાળાનું કામચલાઉ સ્થળ ધુનાવાડાથી સીતપુર ખસેડવામાં આવ્યું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. હવે શાળા ગારુડી તરફ ખસેડવાની પ્રક્રિયાને લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે શાળા ધુનાવાડા ખાતે મંજૂર કરવામાં આવી હતી અને શાળાના મકાન માટે જમીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, ત્યારે સ્થળ પરિવર્તનનો નિર્ણય શા માટે લેવામાં આવ્યો? આ નિર્ણય કયા અધિકારીની મંજૂરીથી અને કયા નિયમ હેઠળ લેવામાં આવ્યો તે અંગે પણ સ્પષ્ટતા કરવાની માંગ ઉઠી છે.

બીજી તરફ ધુનાવાડાની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતા ધોરણ 6 અને 7ના વર્ગો બંધ થવાની સ્થિતિ સર્જાઈ હોવાનો ગ્રામજનોનો દાવો છે. આવી સ્થિતિમાં માધ્યમિક શિક્ષણ માટે વિદ્યાર્થીઓને દૂર જવું પડે તો ખાસ કરીને નાના બાળકોના શિક્ષણ પર તેની અસર થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગારુડી ખાતે શાળા ખસેડવામાં આવે તો ધુનાવાડા અને અન્ય ગામોના વિદ્યાર્થીઓ માટે આવનજાવનનો પ્રશ્ન પણ ઊભો થઈ શકે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ધુનાવાડા અને ગારુડી વચ્ચે માઝુમ નદી આવતી હોવાથી વિદ્યાર્થીઓ માટે શાળાએ પહોંચવામાં મુશ્કેલી સર્જાવાની શક્યતા છે.આ મામલે ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. તેમજ માધ્યમિક શિક્ષણ નિયામક, ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાળાના સ્થળ પરિવર્તન અંગેની માહિતી મેળવવા આરટીઆઈ મારફતે પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં મળેલા જવાબોથી સંતોષ ન થયો હોવાનો ગ્રામજનોનો દાવો છે.

શિક્ષકદિનના દિવસે ધુનાવાડાના ગ્રામજનોએ આ મુદ્દે અનોખી રીતે સરકારનું ધ્યાન દોર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સામે સામૂહિક પ્રાર્થના કરી ગ્રામજનોએ બાળકોના શિક્ષણ માટે સરકાર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી.ગ્રામજનોની માંગ છે કે ધુનાવાડા ખાતે મંજૂર થયેલી શાળાના સ્થળ પરિવર્તનની સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, નિર્ણય પાછળના કારણો જાહેર કરવામાં આવે અને જવાબદારી નક્કી કરવામાં આવે. સાથે જ આઠ ગામના બાળકોને સરળતાથી અને કાયમી ધોરણે માધ્યમિક શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હવે જોવાનું એ રહ્યું કે ધુનાવાડાની મંજૂર થયેલી શાળા ગારુડી ખસેડવાના નિર્ણય અંગે શિક્ષણ વિભાગ શું સ્પષ્ટતા કરે છે અને આઠ ગામના વિદ્યાર્થીઓના શિક્ષણના પ્રશ્નનો શું ઉકેલ લાવે છે.

21
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો