રાજપારડીમાં ધોળા દિવસે લાખોની ચોરીથી ચકચાર! પિયુષ જનરલ સ્ટોરમાંથી ₹15 લાખથી વધુની રોકડ ભરેલો થેલો લઈ શખ્સ ફરાર
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ચાર રસ્તા નજીક ધોળા દિવસે લાખોની રોકડની ચોરીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, રાજપારડી ચાર રસ્તા નજીક આવેલા પિયુષ જનરલ સ્ટોરમાં વહેલી સવારે એક અજાણ્યો શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો. વેપારી થોડા સમય માટે દુકાનના અંદરના ભાગમાં કામ અર્થે ગયા હતા, તે દરમિયાન અજાણ્યા શખ્સે તકનો લાભ લઈ ₹15 લાખથી વધુની રોકડ ભરેલો થેલો ઉઠાવી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
થોડીવાર બાદ વેપારી પરત ફર્યા ત્યારે રોકડ ભરેલો થેલો નજરે ન પડતા ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં રાજપારડી પોલીસ ઉપરાંત SOG અને LCBની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે દુકાન તેમજ આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે અને અજાણ્યા શખ્સની ઓળખ તથા તેના સુધી પહોંચવા માટે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
ધોળા દિવસે દુકાનમાંથી લાખોની રોકડ ચોરાઈ જતાં સ્થાનિક વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસની તપાસ ચાલુ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ ચોરીની સમગ્ર હકીકત તેમજ આરોપી અંગે વધુ વિગતો સામે આવશે.
ઈરફાન ખત્રી
રાજપારડી




runfunc: 0; algolist: 0;
multi-frame;










