વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

‘પત્રકાર કલ્યાણ સુરક્ષા યોજના’ અમલમાં મૂકી પત્રકારો અને તેમના પરિવારને સામાજિક-આર્થિક સુરક્ષા આપવા સરકાર સામે રજૂઆત કરવામાં આવી..
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતા પત્રકારો અને તેમના પરિવારોના હિતમાં સમગ્ર ગુજરાતમાં સુવ્યવસ્થિત ‘પત્રકાર કલ્યાણ સુરક્ષા યોજના’ અમલમાં મૂકવાની માંગ સાથે મુખ્યમંત્રી કાર્યાલય સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી પત્રકારોના કલ્યાણ અને સુરક્ષા માટે નીતિગત નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ પત્રકારો સમાચાર સંકલન દરમિયાન રાત્રિના સમયે તેમજ પૂર, આગ, કુદરતી હોનારત, ઔદ્યોગિક અકસ્માત સહિતની જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવે છે. આવા સંજોગોમાં પત્રકારની સાથે તેમના આશ્રિત પરિવારની સામાજિક અને આર્થિક સુરક્ષા પણ સુનિશ્ચિત થાય તે જરૂરી છે.
ડો. નિરવ પટેલે સરકાર સમક્ષ દરેક કાર્યરત પત્રકારને રૂ.૧૦ લાખનું વિના મૂલ્યે અકસ્માત વીમા કવચ આપવાની માંગ કરી છે. ફરજ દરમિયાન અકસ્માતથી મૃત્યુ અથવા કાયમી અપંગતા થાય તો વીમા લાભ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી વિશેષ આર્થિક સહાય આપવાની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
QR કોડ આધારિત સત્તાવાર Journalist ID Card આપવા માંગ
પત્રકારોની સરળ અને સત્તાવાર ઓળખ માટે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા QR કોડ આધારિત ડિજિટલ તથા ભૌતિક Journalist ID Card ઇસ્યુ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી પત્રકારોની ઓળખ ઝડપથી ચકાસી શકાય અને તેમની કામગીરી દરમિયાન જરૂરી સુવિધા મળી શકે તેવી રજૂઆત છે.
ખાસ કરીને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા અને ભરૂચ સહિતના આદિવાસી, જંગલ અને અંતરિયાળ વિસ્તારોમાં જોખમી પરિસ્થિતિઓમાં રિપોર્ટિંગ કરતા પત્રકારોની વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી છે.
જિલ્લા કક્ષાએ ‘Emergency Relief Fund’ અને ‘Welfare & Safety Cell’ની માંગ
પત્રકારના અકાળે મૃત્યુ અથવા ગંભીર અકસ્માતના સમયે તેમના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ ‘Journalist Emergency Relief Fund’ સ્થાપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પત્રકારોના કલ્યાણ અને સુરક્ષાની કામગીરીના મોનિટરિંગ માટે ‘Welfare & Safety Cell’ની રચના કરવા પણ સૂચન કરાયું છે.
વીમા ક્લેમની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે માહિતી વિભાગ હેઠળ વિશેષ હેલ્પડેસ્ક શરૂ કરી, જિલ્લા માહિતી અધિકારીને નોડલ અધિકારી તરીકે જવાબદારી સોંપવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
ડો. નિરવ પટેલે સરકારને પત્રકારો માટેની આવી કોઈ વીમા વ્યવસ્થાને મોડેલ તરીકે સ્વીકારી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી માહિતી અને પ્રસારણ વિભાગ મારફતે સત્તાવાર પરિપત્ર બહાર પાડવાની માંગ કરી છે.
અંતમાં ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, “લોકશાહીના ચોથા સ્તંભને સુરક્ષા આપવી એટલે લોકશાહીને વધુ મજબૂત બનાવવી.” રાજ્ય સરકાર પત્રકારો અને તેમના પરિવારોના વ્યાપક હિતને ધ્યાનમાં લઈ આ રજૂઆતને સંવેદનશીલતાથી ધ્યાને લઈ ટૂંક સમયમાં યોગ્ય નીતિગત નિર્ણય કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.










