ગુજરાત સરકારની ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન બની હજારો નાગરિકો માટે આશાનો સહારો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

ક્યારેક જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર માત્ર એક ફોનકોલ જેટલું હોય છે. ક્યારેક કોઈ અજાણી વ્યક્તિની હૂંફભરી વાત, ધીરજપૂર્વક સાંભળવાની તૈયારી અને સમયસર મળેલી મદદ કોઈનું આખું જીવન બદલી નાખે છે. ગુજરાત સરકારની ‘જીવન આસ્થા સુસાઇડ પ્રિવેન્શન એન્ડ મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન’ આજે આવી જ માનવતાનું જીવંત ઉદાહરણ બની રહી છે. ગુજરાત સરકારના પ્રજાકલ્યાણલક્ષી અભિગમ અને ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસના ‘સુરક્ષા સેતુ પ્રોજેક્ટ’ અંતર્ગત શરૂ કરાયેલી આ સેવા આજે માનસિક તણાવ, હતાશા અને જીવન પ્રત્યે નિરાશા અનુભવતા હજારો નાગરિકો માટે વિશ્વાસ, હૂંફ અને આશાનું મજબૂત કેન્દ્ર બની છે.

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે 10 સપ્ટેમ્બર, 2015ના રોજ શરૂ કરાયેલી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન છેલ્લા 11 વર્ષથી સતત ચોવીસ કલાક કાર્યરત છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક, ગાંધીનગર દ્વારા સંચાલિત આ સેવા દિવસ-રાત, અઠવાડિયાના સાતેય દિવસ સંપૂર્ણ નિઃશુલ્ક અને ગોપનીય રીતે ઉપલબ્ધ છે. અહીં આવતો દરેક કોલ માત્ર એક ફોનકોલ નથી, પરંતુ એક વ્યક્તિની વ્યથા, એક પરિવારની ચિંતા અને ઘણી વખત એક અમૂલ્ય જીવનને બચાવવાની તક બની રહે છે.

સંવેદનશીલ કાઉન્સેલિંગ સાથે તાત્કાલિક રેસ્ક્યૂ વ્યવસ્થા

‘જીવન આસ્થા’ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર ટેલિફોનિક કાઉન્સેલિંગ સુધી મર્યાદિત નથી. જો કોઈ કોલ દરમિયાન સંકટની ગંભીરતા જણાય તો કાઉન્સેલરો તરત જ પોલીસ કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને સ્થળ પર મદદ પહોંચાડવાની કામગીરી શરૂ કરે છે. એક તરફ ફોન પર સંવેદનશીલ સંવાદ ચાલુ રહે છે તો બીજી તરફ મેદાનમાં પોલીસ ત્વરિત કાર્યવાહી કરીને નાગરિકોના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

આ સેવાની અસરકારકતા તેના આંકડાઓમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. વર્ષ 2025 દરમિયાન હેલ્પલાઇન પર 18,000થી વધુ કોલ્સ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2026માં અત્યાર સુધી 19,526 કોલ્સ પ્રાપ્ત થયા છે. વર્ષ 2025-26 દરમિયાન ગુજરાત પોલીસ અને જીવન આસ્થાની સંયુક્ત ટીમોએ આશરે 40 અત્યંત ગંભીર કિસ્સાઓમાં ઝડપી રેસ્ક્યૂ ઇન્ટરવેન્શન કરીને નાગરિકોના અમૂલ્ય જીવ બચાવ્યા છે.

જમાલપુર બ્રિજ પર હોર્ડિંગ બન્યું જીવન તરફ પાછા ફરવાનો સંકેત

અમદાવાદના જમાલપુર બ્રિજ પર બનેલો એક પ્રસંગ ‘જીવન આસ્થા’ની ઉપયોગિતા અને સમયસર મળતી મદદનું જીવંત ઉદાહરણ બની રહ્યો છે.

બપોરે 12:06 વાગ્યે ગાંધીનગર હેલ્પલાઇન પર ચાંદખેડાની 27 વર્ષીય યુવતીનો ફોન આવ્યો હતો. ગંભીર પારિવારિક અને માનસિક મુશ્કેલીઓથી કંટાળેલી યુવતી જીવનનો અંત લાવવાના વિચારો સાથે જમાલપુર બ્રિજ પર પહોંચી હતી. તે દરમિયાન રસ્તા પર લગાવવામાં આવેલા ગુજરાત સરકારના ‘જીવન આસ્થા’ના હોર્ડિંગ પર તેની નજર પડી. તે ક્ષણે તે હોર્ડિંગ માત્ર એક જાહેરાત નહીં, પરંતુ જીવન તરફ પાછા ફરવાનો સંકેત બની ગયું.

યુવતીએ તરત જ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો. કાઉન્સેલરે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલન કર્યું. પોલીસ ટીમ સમયસર સ્થળ પર પહોંચી અને સંવેદનશીલ વાતચીત દ્વારા યુવતીને સલામત રીતે બચાવી લેવામાં આવી. એક ફોનકોલે નિરાશાની ઘડીને આશામાં ફેરવી દીધી.

ઝુંડાલ કેનાલ પર બે બાળકોનું ભવિષ્ય પણ બચ્યું

બીજો સ્પર્શી પ્રસંગ ઝુંડાલ કેનાલનો છે. રાત્રિના સમયે શારીરિક અને માનસિક ત્રાસથી વ્યથિત એક મહિલા આત્મહત્યા કરવા કેનાલ સુધી પહોંચી હતી. તે દિવ્યાંગ બાળક સહિત બે બાળકોની માતા હતી. અંતિમ ક્ષણે તેણે ‘જીવન આસ્થા’નો સંપર્ક કર્યો.

કંટ્રોલ રૂમ દ્વારા તરત જ કાઉન્સેલર સાથે વાતચીત શરૂ કરાવવામાં આવી. કાઉન્સેલરે સતત ફોન પર મહિલાને શાંત રાખી, તેને કેનાલથી દૂર રહેવા પ્રેરિત કરી અને બીજી તરફ નજીકની પીસીઆર વાનને સ્થળે મોકલવામાં આવી. સંયુક્ત પ્રયાસોથી મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. આ ઘટનાએ માત્ર એક મહિલાનું જીવન જ નહીં, પરંતુ તેના બે બાળકોના ભવિષ્યને પણ નવી આશા આપી.

યુવાનો, મહિલાઓ અને વડીલો પણ લઈ રહ્યા છે સહારો

હેલ્પલાઇનના અનુભવ મુજબ માત્ર આત્મહત્યાના વિચારો ધરાવતા લોકો જ નહીં, પરંતુ પરીક્ષાના તણાવમાં રહેલા વિદ્યાર્થીઓ, નોકરી અને આર્થિક સંકટનો સામનો કરતા યુવાનો, પારિવારિક વિખવાદથી પરેશાન મહિલાઓ, એકલતા અનુભવતા વડીલો અને માનસિક દબાણમાંથી પસાર થતા અનેક નાગરિકો પણ આ સેવાનો લાભ લઈ રહ્યા છે. તાલીમપ્રાપ્ત કાઉન્સેલરો દરેક વ્યક્તિને ધીરજપૂર્વક સાંભળીને તેની પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન અને ભાવનાત્મક સહારો પૂરો પાડે છે.

સુરક્ષા સેતુ પ્રોજેક્ટની માનવતાલક્ષી પહેલ

ગુજરાત પોલીસના ‘સુરક્ષા સેતુ પ્રોજેક્ટ’ અંતર્ગત શરૂ કરાયેલી આ પહેલ પોલીસિંગને માત્ર કાયદા અને વ્યવસ્થાની મર્યાદામાં નહીં રાખતાં માનવતાલક્ષી અભિગમ સાથે જોડે છે. કાઉન્સેલિંગ, પોલીસ પ્રતિસાદ અને તાત્કાલિક સંકલનનું આ મોડેલ રાજ્યમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિની જરૂરિયાત

નિષ્ણાતોનું માનવું છે કે માનસિક તણાવ કે જીવન પ્રત્યે નિરાશા કોઈ વ્યક્તિની નબળાઈ નથી. આવા સમયે વ્યક્તિને સૌથી પહેલાં સાંભળવાની, સમજવાની અને વિશ્વાસ આપવાની જરૂર હોય છે. ‘જીવન આસ્થા’ આ જ સંવેદનાને પોતાની કામગીરીના કેન્દ્રમાં રાખીને રાજ્યના નાગરિકો સુધી સતત પહોંચી રહી છે.

ગુજરાત સરકારની આ પ્રજાભિમુખ પહેલ એ સ્પષ્ટ સંદેશ આપે છે કે મુશ્કેલી કેટલીય મોટી હોય, પરંતુ મદદનો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે. એક ફોનકોલ કદાચ આખું જીવન બચાવી શકે છે.

સંકટની ઘડીએ નાગરિકો માટે ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન 1800-233-3330 ચોવીસ કલાક નિઃશુલ્ક અને સંપૂર્ણ ગોપનીય રીતે ઉપલબ્ધ છે. જરૂરિયાતની ક્ષણે આ નંબર સુધી પહોંચવું એટલે નિરાશાની પળમાં આશાનો હાથ પકડવો અને જીવનને એક વધુ તક આપવી.

23
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો