તા.09/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ સ્ટેશનમાં એન્ટિ કરપ્શન બ્યુરો એ સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા પોલીસ કર્મચારીને રંગેહાથ ઝડપી પાડતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ જાગાભાઇ જીડિયાને રૂ. ૨૭,૦૦૦ ની લાંચ સ્વીકારતા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાંથી જ ઝડપી લેવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર, ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીના ગામના કેટલાક લોકો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં પકડાયેલા આરોપીઓના જામીન કરાવી આપવાના અવેજ પેટે ચોટીલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ જીડિયાએ ફરિયાદી પાસે રૂ. ૨૭,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ બે-ત્રણ દિવસમાં પહોંચાડી દેવા માટે આરોપી દ્વારા કહેવામાં આવ્યું હતું. જોકે, ફરિયાદી એક જાગૃત નાગરિક હોય અને તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી, તેમણે તુરંત જ એ.સી.બી. ના ટોલ-ફ્રી નંબર પર સંપર્ક સાધીને આ અંગે વિગતવાર માહિતી આપી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની કમ્પ્લેઇન આધાર પર એ.સી.બી. રાજકોટ એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. સોલંકી તથા તેમની ટીમ દ્વારા તરત જ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ નક્કી થયા મુજબ, ફરિયાદી લાંચની રકમ આપવા માટે ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ચોટીલા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં પાછળના ભાગે આવેલી ડી-સ્ટાફ ઓફિસના દરવાજા સામે જાહેર જગ્યા પર હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ જીડિયાએ ફરિયાદી પાસેથી રૂ. ૨૭,૦૦૦ ની લાંચની રકમ સ્વીકારી હતી. રકમ સ્વીકારતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી ACB ની ટીમે દરોડો પાડીને આરોપીને સ્થળ પર જ રંગેહાથ પકડી લીધો હતો. ACB ની ટીમે લાંચની સ્વીકારેલી રૂ. ૨૭,૦૦૦ ની તમામ રકમ સ્થળ પરથી જ રિકવર કરી લીધી છે અને આરોપી હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ જીડિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ શરૂ કરી છે. એક જાગૃત નાગરિકની હિંમત અને ACB ની સચોટ કામગીરીને કારણે ચોટીલા પોલીસ સ્ટેશનમાં જ બનેલી આ ઘટનાથી લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે.









