તરણેતરના મેળામાં થાનગઢની ભાતીગળ છત્રીઓનું આકર્ષણ: 50 વર્ષથી સંસ્કૃતિ જીવંત રાખતો દરજી પરિવાર

તા.12/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

વૈશ્વિક ફલક પર દેશી હસ્તકલા: 25થી વધુ મહિલાઓને ઘરઆંગણે રોજીરોટી આપી થાનગઢના કારીગરો બન્યા આત્મનિર્ભર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાતો ઐતિહાસિક અને વિશ્વપ્રસિદ્ધ તરણેતરનો મેળો ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ, પરંપરા અને ભાતીગળ વારસાનું અપ્રતિમ પ્રતિક છે. આ મેળાની સૌથી વિશિષ્ટ અને આગવી ઓળખ એટલે થાનગઢના કારીગરો દ્વારા તૈયાર થતી રૂમાલ અને ઝીણવટભર્યા આકર્ષક ભરત ગૂંથણવાળી રંગબેરંગી છત્રીઓ. છેલ્લા ૫૦ વર્ષથી આ હસ્તકલા ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક કાર્યરત અમિતભાઈ દરજી અને તેમનો પરિવાર પોતાની અનન્ય કલાસૂઝ તથા અદભુત કારીગરીથી આ પ્રાચીન પરંપરાને જીવંત રાખી વૈશ્વિક ઓળખ અપાવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પણ આવી પારંપરિક કળાઓને પ્રોત્સાહન આપીને સ્થાનિક સાંસ્કૃતિક વારસાનું સતત જતન કરવામાં આવી રહ્યું છે. હસ્તકલા અને ભરત કામના વ્યવસાય સાથે જોડાયેલા અમિતભાઈ નરોત્તમભાઈ દરજી જણાવે છે કે, તેઓ પાંચ દાયકાથી પણ વધુ સમયથી તરણેતરના મેળા માટે ખાસ મોટી અને વિશિષ્ટ કલાત્મક છત્રીઓ બનાવે છે. આ ઉપરાંત બંડી, કોટી, ચણિયાચોળી, મોજડી અને રજવાડી પાઘડીઓ જેવી પરંપરાગત વસ્તુઓનું પણ નિર્માણ કરે છે. રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના સન્માન માટે વપરાતી બંડી અને પાઘડીઓ તેમજ દેશના પ્રખ્યાત મંદિરોના સંતો-મહંતો માટેની કલાત્મક છત્રીઓ તૈયાર કરવામાં તેમનું મોટું નામ છે. મેળા દરમિયાન દેશ- વિદેશના પ્રવાસીઓ ખાસ તેમની દુકાનની મુલાકાત લે છે. અમિતભાઈ જણાવે છે કે આ વ્યવસાયે સ્થાનિક બહેનોને ઘરઆંગણે ગૌરવપૂર્ણ રોજગારી પૂરી પાડી છે. હાલમાં તેમની સાથે ૨૫ થી ૩૦ મહિલાઓ અને ૭ થી ૮ પુરુષો એક પરિવારની જેમ કામ કરી રહ્યા છે. આ કારીગરો હાથ ભરત, આરી ભરત અને કમ્પ્યુટર ભરતનું ઝીણવટભર્યું કામ કરીને આકર્ષક ચીજ વસ્તુઓ તૈયાર કરે છે. ગ્રામીણ મહિલાઓને રોજગારી મળતા સ્થાનિક અર્થતંત્ર મજબૂત બન્યું છે અને મહિલા સશક્તિ કરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ૧૫ વર્ષનો અનુભવ ધરાવતા સ્થાનિક કારીગર રાજેન્દ્રભાઈ જણાવે છે કે, તેઓ પરંપરાગત કપલ ડ્રેસ, કલાત્મક બંડી અને ચોલીનું નિર્માણ કરીને દૈનિક એકથી બે કપલ ડ્રેસ તૈયાર કરે છે. મેળા અને વર્ષભર મળતા સતત કામના કારણે તેમને આર્થિક સુરક્ષા અને સ્થિર આવક પ્રાપ્ત થઈ રહી છે, જેનાથી તેઓ આત્મનિર્ભર બનીને પોતાના પરિવારનું આદરપૂર્વક પાલન-પોષણ કરી રહ્યા છે. તરણેતરના મેળાના માધ્યમથી થાનગઢની આ પારંપરિક હસ્તકલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી છાપ કંડારી રહી છે. કારીગરોના પરિશ્રમ અને શાસનના પ્રોત્સાહક વાતાવરણના સમન્વયથી આ સાંસ્કૃતિક ધરોહર વધુ સમૃદ્ધ બની રહી છે.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો