WAKANER:વાંકાનેર: ૧૩ માસથી સગીરાનું અપહરણ કરી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપાયો
વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા ૧૩ મહિનાથી નાસતા ફરતા આરોપી તથા ભોગબનનાર સગીરાને મોરબી AHTU (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) અને વાંકાનેર તાલુકા પોલીસની સંયુક્ત ટીમે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી ઝડપી પાડ્યા છે.

ઘટનાની વિગત મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના સુટાલીયા તાલુકાના લાલપુરીયા ગામનો વતની અને સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો સાગર દેવચંદ મયારામભાઇ વર્મા (ઉં.વ. ૨૨) વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ આરોપી સતત ૧૩ માસથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો.
સંયુક્ત ઓપરેશનમાં સફળતાઆરોપી સાગર વર્મા મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત પીપલાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાયો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે મોરબી AHTU અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ભોપાલ ખાતે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આરોપી સાગર વર્માને ઝડપી લીધો હતો તેમજ તેની સાથે રહેલી ભોગબનનાર સગીરાને પણ મુક્ત કરાવી હતી.પોલીસ ટીમે આરોપી તથા ભોગબનનારને વાંકાનેર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









