રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૨.૯.૨૦૨૬
આગામી ગણેશ આગમન અને ગણેશ વિસર્જનને લઈને હાલોલ શહેરમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત ઉજવણી થાય તે હેતુથી પંચમહાલ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.આજે શનિવારના રોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું તેમજ વિવિધ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજાઈ હતી.પોલીસ અધિક્ષક હરેશ દુધાતના નેતૃત્વમાં હાલોલ કંજરી બાયપાસથી રૂરલ પોલીસ સ્ટેશન સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફૂટ પેટ્રોલિંગમાં પંચમહાલ એલસીબી, એસઓજી, હાલોલ ટાઉન પોલીસ, રૂરલ પોલીસ તેમજ પાવાગઢ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.ફૂટ પેટ્રોલિંગ બાદ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગણેશ મંડળોના સભ્યો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠક દરમિયાન ડીજેના વધુ પડતા અવાજથી થતા આરોગ્યલક્ષી નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને વડીલો, નાના બાળકો અને અન્ય લોકોને ઊંચા અવાજના કારણે થતી તકલીફો અંગે ગણેશ મંડળના સભ્યોને સમજાવવામાં આવ્યા હતા.પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા ગણેશ આગમન અને વિસર્જન દરમિયાન ડીજેના સમય અને અવાજની નિર્ધારિત મર્યાદાનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો કોઈ ડીજે સંચાલક અથવા ગણેશ મંડળ દ્વારા સમય મર્યાદા કે અવાજની મર્યાદાનો ભંગ કરવામાં આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.આ ઉપરાંત હાલોલના ડૉ. વિજયભાઈ પટેલ દ્વારા પણ ગણેશ મંડળોના સભ્યોને ડીજેના વધુ પડતા અવાજથી માનવ સ્વાસ્થ્ય પર થતી હાનિકારક અસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પંચમહાલ પોલીસ દ્વારા ગણેશોત્સવ દરમિયાન શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ ગણેશ મંડળોને પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ DYSP વી.જે.રાઠોડ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.











