Rajkot: પ્રેરણા – નવાજીવનની” લઅમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે ‘આત્મહત્યા નિવારણ અભિગમ’ કાર્યક્રમ

તા.૧૨/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આપણી પાસે જેટલી સગવડતા ઉપલબ્ધ હોય, તેનો સહર્ષ સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ : મંત્રીશ્રી

”પ્રેરણા’ ટીમે અત્યાર સુધીમાં અંદાજે ૮૦૦થી વધુ લોકોના કાઉન્સેલિંગનું સરાહનીય કાર્ય કર્યું છે : પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર

આત્મહત્યા, નશાખોરી અને સાયબર ક્રાઇમ વિષયક માર્ગદર્શન અપાયું

Rajkot: યુવાનોમાં માનસિક મજબૂતી વધારવા અને આત્મહત્યા અને નશાકારક પદાર્થોનું સેવન જેવા ગુનાઓ અટકાવવાના ઉમદા હેતુસર રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ‘પ્રેરણા – નવા જીવનની’ સામાજિક-મનોવૈજ્ઞાનિક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકાની અમરાપુર શૈક્ષણિક સંસ્થા ખાતે ધો. ૧૧-૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ‘આત્મહત્યા નિવારણ અભિગમ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને આત્મહત્યા અટકાવવા ઉપરાંત ડ્રગ્સના દૂષણ અને સાયબર ક્રાઇમ જેવા ગંભીર વિષયો પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, જીવનમાં સકારાત્મક દ્રષ્ટિકોણ અને સતત પ્રયત્નો થકી સફળતા પ્રાપ્ત કરી શકાય છે, આપણી પાસે જેટલી સગવડતા ઉપલબ્ધ હોય, તેનો સહર્ષ સ્વીકાર કરીને આગળ વધવું જોઈએ. જીવનમાં ક્યારેય નિરાશ થવાને બદલે વધારે મહેનત કરીને આગળ વધવાનો સંકલ્પ રાખવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્યારેય મનમાં નકારાત્મક વિચારો આવવા દેવા ન જોઈએ. “મારાથી આ કામ ન થાય” એ વિચાર છોડીને “મારાથી આ કામ થાય જ” તેવા દ્રઢ આત્મવિશ્વાસ અને પ્રબળ ઈચ્છાશક્તિ સાથે આગળ વધવું જોઈએ. કેટલીકવાર નજીવા કારણોસર લોકો કે વિદ્યાર્થીઓ આત્યંતિક પગલું ભરી લેતા હોય છે, જેના કારણે પરિવાર પર આર્થિક અને માનસિક સંકટ આવી પડે છે. તેમણે અપીલ કરી હતી કે, જીવનમાં જ્યારે પણ કોઈ નાની-મોટી સમસ્યા કે મૂંઝવણ ઊભી થાય ત્યારે પરિવાર, મિત્રો કે સ્નેહીઓ સાથે મુક્ત મને વાતચીત કરવી જોઈએ. જરૂર જણાય તો પોલીસ તંત્ર કે કાઉન્સેલિંગ ટીમનો સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ પરંતુ ગેરકાનૂની પ્રવૃત્તિઓ જેવા ટૂંકા રસ્તા ક્યારેય ન અપનાવવા જોઈએ.

યુવાનોને ભવિષ્યના જવાબદાર નાગરિક બનવા આહ્વાન કરતાં તેમણે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીકાળ જીવન ઘડતર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અભ્યાસની સાથે સાહિત્ય, મહાનુભાવોના જીવન ચરિત્રો અને પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ મળે છે. વિદ્યાર્થીઓ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નાગરિક બનીને ઉત્કૃષ્ટ પ્રદાન આપે તે માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસરે પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓનલાઇન નાણાં કમાવાની લાલચ, સોશિયલ મીડિયાનો અતિરેક, સંબંધોમાં સ્પષ્ટતાનો અભાવ, નશાખોરી અને ડિપ્રેશન જેવા નાણાકીય કે માનસિક કારણોસર યુવાનો અંતિમ પગલું ભરતા હોય છે. જીવનમાં ગમે તેવી મોટી તકલીફ આવે તો પણ આત્મહત્યા એ ક્યારેય તેનો ઉકેલ નથી. જ્યારે પણ મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે એકલા ન રહેતા કોઈ વ્યક્તિને વાત શેર કરવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પોલીસની ‘પ્રેરણા’ ટીમે અત્યાર સુધીમાં અંદાજે ૮૦૦થી વધુ લોકોના કાઉન્સેલિંગનું સરાહનીય કાર્ય કર્યું છે. તેમજ તેમણે ‘પ્રેરણા’ પ્રોજેક્ટની ટીમ લોકોને માનસિક તણાવમાંથી બહાર લાવવા અને યોગ્ય મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી.

તેમણે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવવાથી થતા જોખમો અને આર્થિક ફ્રોડની એપ્લિકેશનોથી દૂર રહેવાની સલાહ આપી હતી. વિદ્યાર્થી અવસ્થા દરમિયાન કીપેડ ફોનનો ઉપયોગ કરવા અથવા સ્માર્ટ ફોનનો મર્યાદિત અને સકારાત્મક ઉપયોગ કરવા યુવાઓને પ્રેરિત કરાયા હતા. તેમજ સૌએ મહેનત કરીને જીવનમાં સફળ બનવા અને મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવા આહ્વાન કર્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો. યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, ફિલ્મોમાં દર્શાવાતી કાલ્પનિક વાર્તાઓ કરતાં પણ વધુ સારી કામગીરી વાસ્તવિકતામાં આપણું પોલીસ તંત્ર કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દરેક માણસનો સ્વભાવ અને પ્રકૃતિ જુદી જુદી હોય છે, છતાં તે માણસાઈના દાયરામાં રહે, તે માટે મનોવૈજ્ઞાનિક જાગૃતિ અત્યંત જરૂરી છે. આજના સમયમાં આત્મહત્યા સુધી પહોંચવા પાછળનું મુખ્ય પરિબળ એ છે કે, લોકો પોતાની સમસ્યાઓ પરિવાર કે મિત્રો સાથે શેર કરતા નથી અને મનોમન મૂંઝાયા કરે છે. પરંતુ એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન ન હોય. તેમણે ભૂતકાળમાં શાળાઓમાં બોક્સ મૂકીને વિદ્યાર્થીઓની સમસ્યાઓ મેળવી, તેનું સમાધાન કરવાના પ્રયોગોથી સારા પરિણામો મળ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન એ.એચ.ટી.યુ. પી.આઇ. શ્રી એન. એ. શુક્લાએ ‘પ્રેરણા’ (PRERNA – Promoting Resilience & Emotional Recovery Through Network Assistance) પ્રોજેક્ટ વિશે વિગતવાર જાણકારી આપી હતી. જસદણ એ.એસ.પી. શ્રી નવીન ચક્રવર્તીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી મનીષાબેન ભરાડ અને શ્રી મનીષાબેન ઢંગેલે કર્યું હતું. આ તકે કેમ્પસ ડાયરેક્ટર શ્રી ભાવનાબેન બાવળીયા, એસ.ઓ.જી. પી.આઇ. શ્રી એફ. એ. પારગી તેમજ સાયબર પી.આઇ. શ્રી સી. બી. વાંક ઉપસ્થિત રહ્યા હતા.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો