વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષ સમર્પિત જનસેવાના ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા તા.૧૩ સપ્ટેમ્બરથી સેવા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આગોતરા પર્વ રૂપે પ્રથમ તબક્કામાં સોમનાથથી બાઈક યાત્રાનો પ્રારંભ થયો છે. આ બાઈક યાત્રામાં રાજ્યના શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા તથા ઉર્જા રાજ્ય મંત્રી અને જૂનાગઢ જિલ્લાના સહ પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયા વડનગરથી વારાણસી સેવાયાત્રાના પ્રથમ તબક્કામાં બાઇક રેલીમાં જોડાયા હતાં સાથે જ બાઈક ચલાવી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.આ બાઈક યાત્રાનું જૂનાગઢ વડાલ ખાતે સ્થાનિક આગેવાનો દ્વારા ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ વડાલ હાઇસ્કૂલના પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો.આ બાઈક યાત્રામાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સંગઠનના પદાધિકારી પ્રશાંત કોરાટ, જૂનાગઢ શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી પુનિતભાઈ શર્મા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સોમનાથ સહિત ચાર પવિત્ર તીર્થ સ્થળોએથી આ બાઈક રેલીનો પ્રારંભ થયો છે. જે વડનગર ખાતે પહોંચશે. ત્યારબાદ યાત્રાના બીજા તબક્કામાં વડનગરથી વારાણસી આ યાત્રા પ્રસ્થાન કરશે. રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૭ ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ અભિયાન હાથ ધરાશે, જે દરમિયાન પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમો યોજાશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા –
કેશોદ










