
સમીર પટેલ, ભરૂચ

ભરૂચ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન પર અસર પડી છે.
કસક વિસ્તારમાં વરસાદ વચ્ચે એક મોટો અકસ્માત થયો હતો. કસક વિસ્તારમાં આવેલી વરસાદી કાંસ નજીક આંગણ એપાર્ટમેન્ટના પાર્કિંગની દીવાલ અને જમીનનો મોટો હિસ્સો અચાનક ધસી પડ્યો હતો. આ કારણે પાર્ક કરેલી 7થી 8 જેટલી કાર કાંસમાં ખાબકી હતી. આ ઘટનામાં વાહનોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
કસક વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પસાર થતી કાંસમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના તેજ પ્રવાહને કારણે કાંસના કિનારે ધોવાણ થયું હતું. આ ધોવાણને કારણે આંગણ એપાર્ટમેન્ટના કાર પાર્કિંગનો મોટો હિસ્સો નબળો પડ્યો હતો. આ દરમિયાન પાર્કિંગની દીવાલ અને જમીનનો ભાગ અચાનક ધસી પડ્યો. સાથે જ શેડ પણ તૂટી પડ્યો, જેના કારણે પાર્ક કરેલી અનેક કાર કાટમાળ નીચે દબાઈને કાંસમાં ખાબકી હતી








