MORBI:મોરબીમાં હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકોની સરાહનીય કામગીરી: ૩૯ પાડા ભરેલું આઇસર વાહન ઝડપાયું


મોરબી:નવા વર્ષના પ્રથમ દિવસે જ મોરબીના પંથકમાંથી એક મોટા ગૌવંશ/પશુ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. હિન્દુ સંગઠનો અને ગૌરક્ષકોએ સતર્કતા દાખવીને કચ્છના નખત્રાણાથી માળીયા થઈને અમદાવાદ તરફ કથિત રીતે કતલ માટે લઈ જવામાં આવતા ૩૯ પાડા ભરેલા આઇસર વાહનને ફિલ્મીઢબે પીછો કરીને ઝડપી પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ, કચ્છના નખત્રાણા તરફથી એક આઇસર વાહનમાં અબોલ પશુઓને ભરીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા હોવાની બાતમી ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોને મળી હતી. જેના આધારે અણીયારી ચોકડી પાસે વોચ ગોઠવીને આ વાહનનો ફિલ્મીઢબે પીછો કરી તેને રોકવામાં આવ્યું હતું.
વાહનની તપાસ કરતા અંદરનો નજારો હ્રદયદ્રાવક હતો; વાહનમાં ૩૯ પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી બાંધીને ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા અને તેમની પાસે ખાવા-પીવાની કોઈ જ પ્રાથમિક વ્યવસ્થા રાખવામાં આવી ન હતી.
ઘટનાની ગંભીરતા જોતાં જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે વાહન અને તેમાં સંડોવાયેલા શખ્સોને કબજે કરીને પોલીસ મથકે ખસેડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તમામ ૩૯ અબોલ જીવોને સુરક્ષિત રીતે મોરબી પાંજરાપોળ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ અને શિવસેના સહિતના વિવિધ હિન્દુ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો છે. સંગઠનોના અગ્રણીઓએ પોલીસ પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે આ સમગ્ર રેકેટ પાછળ સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અને વાહનમાલિકની ઊંડાણપૂર્વક સઘન તપાસ કરવામાં આવે અને કાયદાકીય કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકી શકે.














