રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગાંધીનગર ખાતે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રથમ દિવસની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિભાવપૂર્વક પંચદેવ મંદિરમાં દર્શન અને પૂજન કરીને કરી હતી. આ પ્રસંગે તેમણે ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યના નાગરિકોના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને આરોગ્યમય જીવન માટે પ્રાર્થના કરી હતી.
મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ પણ સૌના અભિવાદનનો સ્વીકાર કરી નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવા વર્ષના આ પવિત્ર અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય રીટાબહેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડો. આશિષ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ સહિત અન્ય પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત અને નશામુક્ત ભારતના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે, તેને સાકાર કરવા માટે સૌએ સહિયારો પ્રયાસ કરવો જરૂરી છે. આ દિશામાં વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે નવા વર્ષમાં સૌ નાગરિકો સાથે મળીને સંકલ્પબદ્ધ બને તેવી અપીલ પણ તેમણે કરી હતી.
તેમણે નવા વર્ષને રાજ્યના વિકાસ, સામાજિક સમરસતા, સ્વસ્થ સમાજ અને સમૃદ્ધિ તરફ આગળ વધવાનો અવસર ગણાવી સૌના સહયોગથી ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.










