0%

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસની કામગીરી સામે સવાલો, ફરિયાદી યુવકને જ આરોપી બનાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસા રૂરલ પોલીસની કામગીરી સામે સવાલો, ફરિયાદી યુવકને જ આરોપી બનાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામે જાહેર રસ્તા પર વાહન પાર્કિંગ મુદ્દે થયેલા વિવાદમાં હવે મોડાસા રૂરલ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રસ્તા પર આડેધડ પાર્ક કરેલું વાહન હટાવવાનું કહેતા ગાડી માલિકે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ યુવકે કર્યો છે. યુવકે 112 પોલીસ હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી, પરંતુ ન્યાય મેળવવા પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકને જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરિયાદ સામે આવી છે.

મળતી માહિતી મુજબ, લીંભોઈ ગામના પટેલ ફળિયામાં જાહેર રસ્તા પર પાર્ક કરાયેલા વાહનને કારણે લોકોને અવરજવરમાં અડચણ પડતી હતી. આ અંગે યુવકે વાહન હટાવવાનું કહેતા વાહન માલિકે તેની સાથે બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે યુવકે 112 પોલીસ હેલ્પલાઇનમાં જાણ કરતાં પોલીસની ગાડી સ્થળ પર પહોંચી હતી અને યુવકને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જણાવ્યું હતું.

યુવકે બે વ્યક્તિઓ સામે નામજોગ અરજી આપતાં પોલીસ સ્ટેશનના પીએસઓએ અરજી ભરત નામના પોલીસકર્મીને સોંપી હતી. જોકે, યુવકનો આક્ષેપ છે કે અરજીની તપાસ કરી કાર્યવાહી કરવાના બદલે ભરત નામના પોલીસકર્મીએ સામા પક્ષના લોકોને જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા બોલાવ્યા હતા. એટલું જ નહીં, યુવક સાથે ફોન પર ‘દિવાળી બગાડો છો’ કહી અસભ્ય ભાષામાં વાત કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

યુવકના જણાવ્યા અનુસાર, રાત્રે 11 વાગ્યા સુધી ભરત નામનો પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં હાજર ન થતાં સમગ્ર મામલે શંકા ઊભી થઈ હતી. પોલીસ પાસે ન્યાયની આશા રાખીને ગયેલા ફરિયાદી સામે જ કાર્યવાહી કરવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યો હોવાની લાગણી થતાં યુવકે ફરી 112 હેલ્પલાઇન પર ફોન કરી પોલીસકર્મીની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. જોકે, આ ફરિયાદ બાદ પોલીસતંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે યુવક અજાણ હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ, લીંભોઈના જાગૃત યુવકે જાહેર રસ્તા પર અવરજવરમાં અડચણરૂપ વાહનો પાર્ક કરનારા બે વ્યક્તિઓ સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ઉપરાંત લીંભોઈ ગ્રામ પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સૌથી મોટો સવાલ એ છે કે 112માં મદદ માગનાર નાગરિકને ન્યાય આપવાની જવાબદારી પોલીસની છે કે પછી ફરિયાદી અને સામા પક્ષ વચ્ચે સમાધાન કરાવવાના નામે ફરિયાદીને જ મુશ્કેલીમાં મૂકવામાં આવી રહ્યો છે? સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો