
તારીખ 13-09-2026 ના સાંજના સમયે બોડેલીથી હાલોલ હાઇવે નંબર 756 પર હાલોલ તરફ જઈ રહેલી એક પીકઅપ ગાડીનો બોડેલી અલીપુરા ડેપો નજીક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પીકઅપ ગાડી અચાનક ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ગાડી ડિવાઇડર પર ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને ધક્કા મારી તેમજ ટોઇંગની મદદથી ગાડીને રસ્તા પરથી બહાર કાઢવામાં આવી હતી. મહત્વનું છે કે આ જ વિસ્તારમાં થોડા સમય અગાઉ પણ એક કાર ડિવાઇડર પર ચઢી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારને ભારે નુકસાન થયું હતું. બોડેલી-હાલોલ મુખ્ય હાઇવે પર વારંવાર અકસ્માતો સર્જાતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ માર્ગ પર વાહનચાલકોને સાવચેત કરવા માટે યોગ્ય સ્થળોએ બમ્પ તેમજ જરૂરી સાઇન બોર્ડ લગાવવામાં આવે અને ડિવાઇડર સહિતની વ્યવસ્થાની યોગ્ય તપાસ કરી જરૂરી સુધારાત્મક કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે વારંવાર થતા અકસ્માતો બાદ સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને અકસ્માતો અટકાવવા માટે ક્યારે જરૂરી પગલાં ભરે છે.

રિપોર્ટર તોસીફ ખત્રી









