આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત રાજ્યમાં ડિજિટલ આરોગ્ય વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. અલ્પેશ સાલ્વીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તા. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વર્કશોપ યોજાયો હતો. વર્કશોપમાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા તાલુકા કક્ષાની ખાનગી હોસ્પિટલોના તબીબો, વિવિધ તબીબ મંડળોના પ્રમુખશ્રીઓ તેમજ હોસ્પિટલના માહિતી-તકનીકી નિષ્ણાતોએ ભાગ લીધો હતો. વર્કશોપનો પ્રારંભ તબીબી અધિકારી ડૉ. દિગ્નેશ વાછાણી દ્વારા રાજ્યકક્ષાએથી આવેલા તાલીમકારો અને તાલીમાર્થીઓના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના તાલીમકાર જસ્મિન પંચાલ દ્વારા ABHA કાર્ડ ના માધ્યમથી દર્દીના આરોગ્ય રેકોર્ડને ડિજિટલ સ્વરૂપે સુરક્ષિત રાખવા તથા જરૂરિયાત મુજબ તબીબ સાથે સરળતાથી શેર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. પ્રકાશ સુથાર ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને ડિજિટલ આરોગ્ય વ્યવસ્થાના મહત્વ અંગે માર્ગદર્શન આપી વધુમાં વધુ તબીબો તથા આરોગ્યકર્મીઓ આ મિશન સાથે જોડાય તેવી અપીલ કરી હતી. વર્કશોપ દરમિયાન દર્દીના આરોગ્ય રેકોર્ડને હોસ્પિટલ સાથે જોડવાની પ્રક્રિયા, આરોગ્ય રેકોર્ડની સુરક્ષા, હોસ્પિટલ તથા તબીબોની ઓનલાઈન નોંધણી, મોબાઈલ એપ્લિકેશનથી દર્દી માટે નંબર મેળવવાની વ્યવસ્થા અને ડિજિટલ દવાપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા અંગે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. અંતે ડૉ. મેહુલ પટેલ દ્વારા જિલ્લામાં આયુષ્માન ભારત ડિજિટલ મિશનની અમલવારી, મહત્વ તથા પડકારો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા તથા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ, આયુષ્માન ભારત યોજનાના કર્મચારીઓ તથા અન્ય આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










