બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢ ખાતે મનોવિજ્ઞાન વિભાગ અને એન.ટી.એફ.ના સંયુક્ત ઉપક્રમે ‘સુસાઇડ પ્રિવેન્શન ડે-૨૦૨૬’ નિમિત્તે આત્મહત્યા નિવારણ અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થિની જોગલ મૌરાએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માનસિક તણાવના સંકેતો, આત્મહત્યાના સંભવિત કારણો અને નિવારણ અંગે માહિતી આપી હતી. વિદ્યાર્થિની વ્યાસ રિદ્ધિએ ‘જીવનને એક તક આપો’ વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપી મુશ્કેલ પરિસ્થિતિમાં આશાવાદ જાળવી રાખવાનો સંદેશ આપ્યો હતો. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રા. ભરત જોશીએ વિદ્યાર્થીઓને જીવનમાં આવતી મુશ્કેલીઓનો હિંમત અને સકારાત્મક અભિગમથી સામનો કરવા પ્રેરિત કર્યા હતા. કોલેજના આચાર્ય ડૉ.જે.આર.વાંઝાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા તેમજ દિવંગત અધ્યાપક ડૉ.કે.પી.બાકુને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલું ‘સુસાઇડ પ્રિવેન્શન અવેરનેસ’ આધારિત નાટક રહ્યું હતું. નાટક દ્વારા વૃદ્ધાવસ્થા, માનસિક અસ્વસ્થતા, શૈક્ષણિક દબાણ અને યુવાનોમાં સંવાદના અભાવ જેવા વિવિધ પાસાઓ રજૂ કરી મુશ્કેલીના સમયમાં પરિવાર અને મિત્રોનો સહયોગ મેળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાન વિભાગના ડૉ.જાગૃતિબેન વ્યાસે સંચાલન કર્યું હતું. કાર્યક્રમના અંતે સમાજશાસ્ત્ર વિભાગના ડૉ.ચંદ્રકાંત વણકરે આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ડૉ.ભરતભાઈ રાઠોડ અને ડૉ.ભરતભાઈ ભેડાએ સહયોગ આપ્યો હતો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ 









