તા.૧૪/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
પ્રધાનમંત્રીશ્રીના ‘વિરાસતથી વિકાસ’ સંકલ્પને સિદ્ધ કરવા આ યાત્રા દેશવાસીઓમાં નવી ચેતના જગાવશે: મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા
વીરપુર ખાતે આયોજિત ગ્રામસભામાં મહાનુભાવોના હસ્તે સરકારી યોજનાના લાભાર્થીઓને હુકમ પત્ર અપાયા
Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા તેમજ ઊર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ સોમનાથથી વડનગર બાઈક રેલીને સોમનાથ તીર્થધામ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.

આ બાઈક રેલી વીરપુર-જલારામ ધામ ખાતે આવી પહોંચતા ઢોલ નગારાના નાદ અને કુમકુમ તિલક સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે મંત્રી શ્રી ડો. પ્રદ્યુમનભાઇ વાજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ યાત્રા ‘વિકસિત ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવા સૌ ભારતવાસીઓમાં નવી ચેતના જગાવશે.

‘વડનગરથી વારાણસી’ સંકલ્પ યાત્રા અંગે જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડનગર એ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મ સ્થળ છે, જ્યારે વારાણસી એ એમની રાજકીય કારકિર્દીની વર્તમાન કર્મભૂમિ હોવા સાથોસાથ સૌ ભારતવાસીઓનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આ યાત્રા વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

સોમનાથથી પ્રારંભ થયેલી આ રેલીનું વિશેષ મહત્ત્વ હોવાનું જણાવતા ડો. પ્રદ્યુમનભાઈએ કહ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંચાલન હેઠળ સોમનાથથી અયોધ્યા રથયાત્રા નીકળેલી, જેની ફળશ્રુતિરૂપે આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ પામ્યું છે.

આ પ્રસંગે અગ્રણી શ્રી પ્રશાંતભાઈ કોરાટે બાઈક રેલીના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા સૌ યુવાનોને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
આ તકે આયોજિત ગ્રામસભામાં મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને હુકમ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વીરપુર ખાતે આયોજિત સભામાં શ્રી ગોરધનભાઈ ધામેલીયા, શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, શ્રી દીપકભાઈ ગાજીપરા, સરપંચ શ્રી રમેશભાઈ સરવૈયા સહિતના અગ્રણીઓ, પદાધિકારીઓ તેમજ કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાંત અધિકારીશ્રી સહિત મોટી સંખ્યામાં વીરપુરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા









