અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં બીજના દિવસે વધુ હાઇટવાળી DJ સિસ્ટમ સાથે જોખમી રીતે નાચતા લોકોને કરંટ લાગ્યો, ત્રણ સામે કાર્યવાહી – 2 ઝડપાયા 1 ફરાર
મોડાસા : ભાદરવી બીજના અનુસંધાને મોડાસા શહેરમાં પોલીસ બંદોબસ્ત દરમિયાન દેવરાજ ચોકડી નજીક શામળાજી તરફ જતા રોડ પર વધુ હાઇટવાળી DJ સિસ્ટમ સાથેના બે ટ્રકને લઈ પોલીસ કાર્યવાહી સામે આવી છે. DJ સિસ્ટમ ઉપર લોકો ચડીને નાચતા હતા, તે દરમિયાન બે લોકોને કરંટ લાગતાં ઇજાઓ થઈ હતી. પોલીસે બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.

મોડાસા ટાઉન પોલીસના જણાવ્યા મુજબ, દેવરાજ ચોકડી નજીક એક આઇશર ટ્રક અને એક ટાટા ટ્રકમાં વધુ હાઇટવાળી DJ સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ DJ સિસ્ટમ ઉપર લોકો ચડીને નાચતા હતા. આ દરમિયાન કરંટ લાગવાથી બે લોકોને ઇજા થતાં પોલીસ દ્વારા તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.પોલીસે બંને વાહનોના ચાલકોની પૂછપરછ કરતા DJ સિસ્ટમ RSR શિવમ DJની હોવાનું જાણવા મળ્યું હતું. DJ માલિક તરીકે કોઠીયા ગામના વિક્રમસિંહ ઉદેસિંહ ખાંટનું નામ સામે આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, DJ વગાડવા માટે જરૂરી પાસ-પરમિટ ન હોવા, જાહેર રસ્તા પર અવરોધ અને લોકોને તકલીફ થાય તે રીતે વ્યવસ્થા કરવા તેમજ બેદરકારીપૂર્વક વાહન ચલાવી DJ ઉપર નાચતા લોકોને ઇજા પહોંચાડવાના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત, અન્ય લોકોની જિંદગી જોખમમાં મુકવા તથા જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ સહિતની જોગવાઈઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.આ મામલે આઇશર ટ્રકના ચાલક જયેશભાઈ ભલાભાઈ ખાંટ, ટાટા ટ્રકના ચાલક યતેન્દ્રસિંહ મોહનસિંહ કરણસિંહ જાટ અને DJ માલિક વિક્રમસિંહ ઉદેસિંહ ખાંટ સામે મોડાસા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની આ કાર્યવાહીથી જાહેર રસ્તા પર જોખમી રીતે DJ સિસ્ટમ ચલાવી લોકો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે.








