અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા યાત્રિકો માટે માર્ગ સલામતી જાગૃતિ અભિયાન

ભાદરવી પૂનમના પાવન અવસરે અંબાજી મંદિર તરફ જતા યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને એ.આર.ટી.ઓ. અરવલ્લી કચેરીના મોટર વાહન નિરીક્ષકો દ્વારા માર્ગ સલામતી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન દરમિયાન યાત્રિકોને સલામત માર્ગ મુસાફરી અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા, નિયંત્રિત ઝડપે વાહન ચલાવવા તથા માર્ગ પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓની સલામતીનું ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી હતી.યાત્રિકોના રથ તથા વાહનો પર રેડિયમ સ્ટિકર્સ લગાવવામાં આવ્યા હતા. રાત્રિના સમયે વાહનોની દૃશ્યતા વધારવા માટે લગાવવામાં આવતા આ પ્રતિબિંબિત સ્ટિકર્સ માર્ગ અકસ્માતોનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી તરફ મોટી સંખ્યામાં યાત્રિકો પગપાળા તેમજ વિવિધ વાહનો દ્વારા મુસાફરી કરતા હોય છે. ત્યારે યાત્રિકો અને અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતી માટે એ.આર.ટી.ઓ. અરવલ્લી દ્વારા આ પ્રકારના માર્ગ સલામતીના નિવારક પગલાં લેવામાં આવ્યા હતા.એ.આર.ટી.ઓ. અરવલ્લી દ્વારા તમામ યાત્રિકોને સલામત મુસાફરી કરવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ સલામતી અંગે જાગૃત રહેવા અપીલ કરવામાં આવી છે.









