

બોડેલી નગરમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. પર્યુષણ પર્વનાં સમાપન નિમિત્તે ભગવાન મહાવીર સ્વામી અને તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નગરમાં નીકળી :
બેન્ડવાજા, ઢોલ-નગારાં અને ભજન મંડળીઓ સાથે નીકળેલી શોભાયાત્રાએ બોડેલી નગરમાં ધાર્મિક માહોલ સર્જ્યો હતો. આ સાથે બોડેલીમાં યોજાતા પરંપરાગત પાંચીયાના મેળાનો પણ લોકોએ આનંદ માણ્યો હતો. :
સર્કલ જૈન સમાજમાં આખા વર્ષ દરમિયાન એકબીજા સાથે કોઈપણ બાબતે બોલચલ થઈ હોય કે ભૂલથી પણ કાંઈ ખોટું થયું હોય કે તમામ બાબતોની ક્ષમાયાચના માટે પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવે છે આ પર્યુષણ પર્વનાં આઠ દિવસ દરમિયાન જૈન સમાજના શ્રાવક શ્રાવિકાઓ વિવિધ પ્રકારના ઉપવાસ રાખી ભગવાન મહાવીર સ્વામી સાથે તેઓના અન્ય ભગવાનનું પણ પૂજન અર્ચન કરી આરાધના કરતા હોય છે અને ભાદરવા સુદ પાંચમના દિવસે પારણાં કરી એકબીજાથી મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાયાજના માંગતા હોય છે આવા પર્યુષણ મહાપર્વની ઉજવણી બોડેલી નગરમાં પ્રતિવર્ષની જેમ ખૂબ જ ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી.
ભાદરવા સુદ-5ના દિવસે પર્યુષણ મહાપર્વના સમાપન નિમિત્તે બોડેલી જૈન દેરાસરથી ભગવાન મહાવીર સ્વામી તેમજ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
છેલ્લા 70 વર્ષથી યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિત આસપાસના લગભગ 50 ઉપરાંત ગામોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ પોતાની ભજન મંડળીઓ સાથે જોડાયા હતા.
વિવિધ મંડળોના નેજા હેઠળ બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે ભજન મંડળીઓ સહિત શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા. જેના કારણે બોડેલી નગરમાં જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
શોભાયાત્રામાં ચાંદીનાં રથમાં પધરાવવામાં આવેલા ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રીસલા માતાને આવેલા 14 સ્વપ્નોને ચાંદીમાં કંડારાયેલા સ્વરૂપો તેમજ ભગવાન મહાવીર સ્વામીના ગુણગાન કરતી ભજન મંડળીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. “ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી જય” અને “એક, દો, ત્રણ, ચાર… જૈન શાસનનો જય જયકાર” જેવા જયઘોષથી સમગ્ર બોડેલી નગર મહાવીરમય બન્યું હતુ.
પર્યુષણ મહાપર્વની ઉજવણી સાથે બોડેલી નગરમાં ભરાતા પરંપરાગત પાંચીયાના મેળામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મેળાનો આનંદ માણ્યો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી









