વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ₹1.68 કરોડના “ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ”ના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા શહેરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તા. 23 ડિસેમ્બર 2024ના રોજ નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 318(2), 318(4), 61 તથા આઇ.ટી. એક્ટની કલમ 66(ડી) મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર યુ. એલ. મોદી અને ટીમે આરોપીની ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવી ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તા. 15 સપ્ટેમ્બર 2026ના રોજ વડોદરાથી તેની ધરપકડ કરી હતી. કમલેશ હિરાલાલ ખાટીક (ઉંમર 36), વ્યવસાયે રિક્ષા ડ્રાઇવર. હાલ વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતો હોવાનું તથા મૂળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માવલી તાલુકાના ચાયલખેડા ગામનો રહેવાસી હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પોતાના નામે પેઢી ઊભી કરી તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા. ત્યારબાદ સાયબર ફ્રોડ કરનારા લોકોને કમિશનના બદલામાં આ બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવતો હતો. પ્રેસનોટ મુજબ તેના બેંક ખાતામાં આશરે ₹6 કરોડની સાયબર ફ્રોડની રકમ આવી હોવાનું સામે આવ્યું છે અને અલગ-અલગ રાજ્યોમાં તેના ખાતા અંગે કુલ 49 સાયબર ફ્રોડ ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે માત્ર કમિશન મેળવવા માટે પોતાનું બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને આપવું ગંભીર ગુનો બની શકે છે. ખાતામાં સાયબર ફ્રોડની રકમ આવતી હોવાનું જણાય તો ખાતાધારક સામે પણ તપાસ થઈ શકે છે અને બેંક એકાઉન્ટ ફ્રીઝ થવા સહિત કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.









