વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે વાંસદા તાલુકાના મહુલાસ ચાર રસ્તા નજીક નાકાબંધી ગોઠવી વિદેશી દારૂનો જથ્થો લઈ જતી Kia Seltos કારને ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે કારચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, સફેદ રંગની GJ 16 CS 1932 Seltos કારમાં સેલવાસ તરફથી અંગ્રેજી દારૂનો જથ્થો ભરી લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે મહુવાસ ગામની સીમમાં સરાગામ તરફ જતા માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી. કાર આવતા જ ચાલકને નાકાબંધીની જાણ થતાં તેણે કાર ઊભી રાખી દીધી હતી અને કારમાંથી ચાર શખ્સો ઉતરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી કારચાલક રાજેશકુમાર બિશ્નોઈને ઝડપી પાડ્યો હતો.
પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસ્કી તથા ટીન બિયરનાં કુલ 1,176 નંગ, કિંમત રૂ. 3,51,360, કબજે કર્યા હતા. ઉપરાંત Kia Seltos કાર કિંમત રૂ.7 લાખ અને મોબાઈલ ફોન કિંમત રૂ.10 હજાર મળી કુલ રૂ.10,61,360નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે વાંસદા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પ્રેસનોટ મુજબ આ કામગીરી LCB PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા LCB સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.









