જામજોધપુર તાલુકાના જામવાડી ગામની વાડીએ કૂવામાં કૂદી ૨૪ વર્ષના શ્રમિક યુવાનનો આપઘાત

પત્ની સાથે અન્ય યુવતી સાથેની વાતચીત અને ઓડિયો કલીપને લઈને ઝઘડો થતાં મનમાં લાગી આવ્યાની પોલીસમાં નોંધ કરાઈ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૬: જામજોધપુર તાલુકાના જામવાડી ગામે વાડી વિસ્તારમાં રહેતા મધ્યપ્રદેશના ૨૪ વર્ષના આદિવાસી શ્રમિક કિશનભાઈ ચેનસિંહ અજનારે કૂવામાં કૂદી આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, કિશનભાઈ ચેનસિંહ અજનાર (ઉ.વ. ૨૪) મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ધામની નાના ગામના સ્કૂલ ફળિયામાં રહેતા હતા અને હાલ જામજોધપુર તાલુકાના જામવાડી ગામે ભગવાનજીભાઈ રણછોડભાઈ ભાણવડિયાની વાડીએ મજૂરી કામ કરતા હતા. કિશનભાઈ કોઈ રિયાંસી નામની યુવતી સાથે સંદેશા અને ઓડિયો ક્લિપ મારફતે વાતચીત કરતા હોવાની બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ બાબતનું મનમાં લાગી આવતાં કિશનભાઈએ તા. ૨૫ ઑક્ટોબરના રોજ વહેલી સવારે ૨:૩૦ વાગ્યા પહેલાંના કોઈ સમયે કૂવામાં કૂદી આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે તેમની પત્ની ગુડીબેન (ઉ.વ. ૨૨)એ જામજોધપુર પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.









