MORBI:મોરબીના લાલપરમાં કેનાલમાં ડૂબી જતાં ૨૫ વર્ષીય પરપ્રાંતીય યુવકનું કરુણ મો*ત નિપજયું

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં અકસ્માતે કેનાલમાં ખાબકી જતાં ૨૫ વર્ષીય યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, લાલપર ગામની સીમમાં આવેલી રફાળિયા કંપનીમાં રહીને મજૂરીકામ કરતા મૂળ પરપ્રાંતીય રંજનકુમાર લાલબાબુ રાય (ઉં.વ. ૨૫) ગત તારીખ ૨૬ ઓક્ટોબરના રોજ સીમમાં આવેલી મેઘજીભાઈ પટેલની વાડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતાં તેઓ બાજુમાંથી પસાર થતી પાણી ભરેલી કેનાલમાં ખાબક્યા હતા. ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે તેમનું ડૂબી જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

યુવકના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની માહિતી મળતા જ મોરબી તાલુકા પોલીસે અકસ્માત મોત (એડી) અંગે નોંધ કરી છે. સમગ્ર બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.એચ. ભટ્ટ ચલાવી રહ્યા છે. યુવાનના આકસ્મિક મોતને પગલે પરિવારજનો અને સાથી શ્રમિકોમાં શોકનો માહોલ છવાયો છે.










