MORBI:મોરબીના શક્તિ ચેમ્બર-૧ના પાર્કિંગમાંથી બાઇકની ચોરી

મોરબી:શહેરમાં વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે મોરબી-૨ વિસ્તારમાં આવેલ શક્તિ ચેમ્બર-૧ના પાર્કિંગમાંથી વેપારીનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગતો અનુસાર, મોરબીના ઉમા ટાઉનશિપમાં રહેતા અને શક્તિ ચેમ્બર-૧માં ‘પરફેક્ટ કોમ્પ્યુટર’ નામની દુકાન ચલાવતા શ્યામકુમાર શાંતીલાલ દેડકીયા (ઉં.વ. ૩૨) પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક (રજી. નં. જીજે-૩૬-એએ-૧૮૬૮) કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મુકીને કામ પર ગયા હતા. ગત તા. ૨૨/૧૦/૨૦૨૬ના રોજ સાંજે સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ પાર્કિંગમાંથી આ બાઇક ચોરી કરી ગયો હતો.
કામ પૂરું થયા બાદ વેપારી પાર્કિંગમાં પહોંચતા બાઇક ન જણાતાં તેમણે આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ બાઇકનો કોઈ પત્તો મળ્યો નહોતો. આથી, તેમણે પ્રાથમિક તબક્કે સરકારના પોર્ટલ પર ઓનલાઇન ઈ-ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે રૂબરૂ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે કોમ્પ્લેક્સ તેમજ આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તસ્કરની શોધખોળ શરૂ કરી છે.










